સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધી કાયદાના પાઠ ભણાવ્યા
ભચાઉમાં લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ પણ જાતની પરવાનગી વગર બંદૂક જેવા હથિયારમાંથી બુલેટ પર બેસી હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કરનાર બુલેટ રાજા સહિત ત્રણ શખ્સોને પોલીસે ઝડપી કાયદાના પાઠ ભણાવ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથધરી ફાયરિંગ કરનાર ત્રિપુટીને ઝડપી પાડી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોશિયલ મીડિયા વોટ્સએપ પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક શખ્સ બુલેટ પર પાછળ નાના બાળકને બેસાડી બંદૂક જેવા હથિયારમાંથી હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કરતા નજરે ચડ્યો હતો. એવી જ રીતે બીજા બે શખ્સો પણ હવામાં ફાયરિંગ કરતા નજરે ચડ્યા હતા.
આ ઘટના અંગે ભચાઉ પોલીસે ખરાઈ કરતા તે પોતાના જ વિસ્તારનો બનાવ હોવાનું સામે આવતા પોલીસે તુરંત કાર્યવાહી હાથધરી હતી. જેમાં ગત તા.૧૪મી જુલાઈના ભચાઉના સીતારામપુરા વિસ્તારમાં રહેતા સુલેમાન નામોરી કુંભારના પુત્ર ગફુરના લગ્ન હતા. જેમાં બટિયાપુલ પાસે સિલ્વર કલરના બુલેટ પર બેસી અબ્દુલ સુલેમાન કુંભાર નામનો શખ્સે બંદૂક જેવા હથિયારમાંથી હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તો અન્ય બે શખ્સ જાવેદ વલીમામદ કુંભાર અને અલીમામદ સુલેમાન કુંભાર પણ ગીતના તાલ પર હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા દેખાઈ રહ્યા હતા.
જેથી પોલીસે વીડિયોની ખરાઈ કરી હવામાં ફાયરિંગ કરતા ઇસમોની ઓળખ કરી તેમની ધરપકડ કરી હતી. પોલોસે આ શખ્સો હથિયાર ક્યાંથી લાવ્યા સહિતની તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ હવામાં ફાયરિંગ કરનાર બુલેટ રાજા સહિત ત્રણને ઝડપી પાડી કાયદાના પાઠ ભણાવ્યા હતા.