કારખાનેદારે મજુર કોન્ટ્રાકટર પર એક રાઉન્ડ ગોળીબાર કર્યો: રોષે ભરાયેલા ૧ર મજુરોએ તોડફોડ કરી.

મોરબીના સિરામીક કારખાનેદારે પોતાના કારખાનામાં કોન્ટ્રાકટ રાખનાર પાંચ સામે પૈસાની ઉઘરાણી બાબતે ફાયરીંગ કરી તેમને માર માયાની ફરીયાદ નોંધાવી છે જયારે સામા પક્ષે કારખાનેદારે મંડળી રચી તેના પર ખુની હુમલો કરી સિકયુરીટીની કેબીનમાં કાચ તોડી નુકશાની કર્યાની વળતી ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહીતી મુજબ મોરબીના મોરબી-જેતપુર રોડ પર આવેલા પાવડીયાવાળીની કેનાલ પાસે આવેલા ઓરમ સિરામીકના માલીક અને કારખાનામાં સફાઇનો કોન્ટ્રાકટ રાખનાર મજુર કોન્ટ્રાકટર અને મજુરો વચ્ચે બધડાટી બોલી હતી અને બન્ને પક્ષોએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. મનીષ રમેશપ્રસાદ શાહી રહે મુજ રાજખંડ, માછીયારી પટ્ટી તાલુકો ઓરાઇ, બિહાર હાલ ઓરમ સિરામીક જેતપર રોડ મોરબીવાળાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ પોતે અને હેમંત મિશ્રા કારખાનામાં સફાઇ વિભાગમાં મજુરોનો કોન્ટ્રાકટ રાખે છે અને પોતાની મજુરી કામના પૈસા લેવા જતા કારખાનેદાર સાથે માથાકુટ થઇ હતી.

દરમિયાન ઓરમ સિરામીક સંચાલક મહેન્દ્રભાઇ કલ્યાણભાઇ જાલરીયા ઉશ્કેરાઇ જતા હેમંત મિશ્રાને હોકી વડે માર મારતા તેને છોડાવવા જતા પોતાના હાથ અને માથામાં ઇજા કરતા ફરીયાદીએ તેમના મજુરોને બોલાવતા અને મિશ્રાને છોડાવવા જતા મહેન્દ્રભાઇએ પોતાની રિવોલ્વરમાંથી અહમદ મિશ્રા અને તેના માણસો પર ફાયરીંગ કરતા રાજકુમાર પંડીતને પગમાં ગોળી વાગી હતી તેમજ હેમંત અને કમલેશને મુંઢ ઇજા થઇ હતી.

જયારે સામા પક્ષે ઓરમ સિરામીક સંચાલક મહેન્દ્રભાઇ જાલરિયાએ ૧ર શખ્સો સામે વળતી ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ કોન્ટ્રાકટર હેમંત મિશ્રા મનીષભાઇ શાહી તેમજ રાજકુમાર પંડીત, કમલેશ રાજપુત, અભિષેક, વિજય, રાકેશકુમાર, કેતનકુમાર અને અજાણ્યા પાંચ શખ્સો સામે ધોકા વડે હુમલો કરી સિકયુરીટીની કેબીનના કાચ તોડી છુટા પથ્થરોના ઘા કર્યાનું નોંધાવ્યું છે. તાલુકા પોલીસે બન્ને પક્ષોની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.