અગાઉ વહાબ સાથે ભાગીદારી કરનાર નાઝીર લતીફ ગેંગનો મેમ્બર બની જતાં હુમલો
અમદાવાદમાં ફરી એક વખત ગેંગવોર માથુ ઉચકી રહી હોવાના સંકેત વચ્ચે ડોન લતીફના સાગ્રીત એવા નાઝીર વોરા પર ઇદનાં બીજા દિવસે સરાજાહેર ફાયરીંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અને ફાયરીંગ વહાબ ગેંગ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં લધુમતિ અગ્રણી અને ડોન લતીફના સાગ્રીત એવા નઝીર વોરા પર ત્રણ અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયર કર્યા હતા. નઝીર વોરાના જણાવ્યા મુજબ તે અને તેનો સીકયુરીટી ગાર્ડ મોટર સાયકલ પર જઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી કારે ઠોકર મારતા બન્ને પડી ગયા હતા બાદમાં કારમાંથી મોઠા પર માસ્ક પહેરેલા ત્રણ શખ્સો ઉતર્યા હતા અને નઝીર પર ફાયરીંગ કરવાનું શરુ કરતા નઝીર જીવ બચાવવા ભાગી છૂટયો હતો.
બીજી તરફ હુમલા ખોરોએ નઝીર ભાગી જતાં તેના બોડીગાર્ડને રીવોલ્વરનો ફુંદો ફટકારી ઇજા પહોચાડી હોવાનું નઝીરે નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નઝીર અગાઉ વહાબ ગેંગ સાથે કામ કરતો હતો અને ભાગીદારીમાં વ્યવસાય પણ કર્યો હતો બાદમાં લતીફ ગેંગ સાથે કામ કરવાનું શરુ કર્યુ હોય ૨૦૧૨ માં વહાબ ગેંગ સાથે કડવાશ ઉભી થઇ હોવાથી વહાબ ગેંગેજ આ હુમલો કરાવ્યો હોવાનું નઝીરે ફરીયાદમાં જણાવ્યું હતું અને પોલીસ અધિકારી એ પણ આ વાતનું સમર્થન આપ્યું હતું.