ઘાચી અને સંધી પરિવારના છોકરાઓની તકરારના કારણે બાઇક પર આવેલા બે શખ્સે ફાયરિંગ કરી ફરાર
ગાંધીગ્રામ પોલીસમાં ભીસ્તીવાડના વસીમ દલવાણી સહિત બે શખ્સો સામે નોંધાતો ગુનો
શહેરના રૈયા રોડ પર આવેલા નહેરૂનગર વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી વધુને વધુ સંવેદનસીલ બની રહ્યો હોય તેમ ગતરાતે ઘાચી પરિવારના મકાન પર ભીસ્તીવાડના શખ્સોએ ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઇ છે. છોકરાની તકરારના કારણે બાઇક પર આવેલા બે શખ્સો ફાયરિંગ કરી ફરાર થયાના સીસીટીવી ફુટેજ મળી આવતા પોલીસે વસીમ દલવાણી સહિત બે શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નહેરૂનગર મેઇન રોડ પર રહેતા સુલતાનાબેન રજાકભાઇ કારીયાણી નામની ૩૮ વર્ષની મહિલાએ ભીસ્તીવાડના વસીમ દલવાણી અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સે પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અલ્લાઉદીન કારીયાણીના પુત્ર સુલતાનના મિત્ર ધીમત ગૌસ્વામીને ગ્રીનલેન્ડ ચોકડી પાસે વસીમ દલવાણી સાથે બે-ત્રણ માસ પહેલાં ઝઘડો થયો હોવાથી ગતરાતે વસીમ દલવાણી બાઇક પર પોતાના સાગરીત સાથે નહેરૂનગરમાં ઘસી આવ્યા બાદ દરવાજો ખટખટાવતા સુલતાનાબેન રજાકભાઇ કારીયાણીએ દરવાજો ખોલતાની સાથે જ અલ્લાઉદીન કયાં છે તેમ પૂછી વસીમ દલવાણીએ પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી ફાયરિંગ કરતા સુલતાનાબેન કારીયાણી પોતાનો જીવ બચાવી મકાનમાં જતા રહ્યા હતા.
આંગડીયાનો ધંધો કરતા અલાઉદીન કારિયાણીના મકાન પર ફાયરિંગ થયાની ઘટનાની પોલીસને જાણ થતા જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. રાજદીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ નહેરૂનગરમાં દોડી ગયા હતા.
પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી વસીમ દલવાણીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફાયરિંગની ઘટનાના પગલે નહેરૂનગરમાં ટોળેટોળા એકઠાં થઇ હતા.