વિશ્વના મહાસત્તા તરીકે ઓળખાતા દેશ અમેરિકામાં ફાયરિંગની ઘટના અવાર નવાર જોવા મળતી રહે છે. ત્યારે આજરોજ વધુ એક હિંસાનો બનાવ સામે આવ્યો છે. યુ.એસ.એ.ના ફ્લોરિડા સ્ટેટમાં આ બનાવ બન્યો છે. જેમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ થયું છે. આ ગોળીબારમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું જણાવા મળી રહ્યું છે.
આ ઘટના ફ્લોરિડા રાજ્યમાં ડાઉનટાઉનના ઉત્તર-પશ્ચિમમાં મિયામી ગાર્ડન્સ પાસેના એક વ્યવસાયિક એસ્ટેટ પર બની છે. જે બિલિયર્ડ્સ હોલની નજીક છે. ફાયરિંગની આ ઘટનામાં ત્રણ લોકોની ગેંગ સામેલ હોવાનું જણાવા મળ્યું છે. મિયામી પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર ઘટના સ્થળ નજીક એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના કારણે ઘણા લોકો બહાર ઉભા હતા. તે જ સમયે, એક નિસાન એસયુવી આવી અને તેમાંથી ત્રણ લોકો બહાર આવ્યા. તેના થોડા જ સમયમાં તેઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. લાંબા સમય સુધી ગોળીબાર કર્યા પછી ત્રણેય એક જ એસ.યુ.વી.માં ફરાર થઈ ગયા.
પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના પછી ન્યાય વિભાગના ડિરેક્ટર આલ્ફ્રેડો ફ્રેડ્ડી રેમિરેઝે ટ્વિટ કર્યું કે બંદૂકોના આધારે હિંસા કરવી તે કાયર અને નિંદાકારક છે. આ લોહિયાળ હત્યારાઓએ ટોળા પર અંધાધૂંધ ફાયરિંગ કરી ગેર કૃત્ય કર્યું છે. નિર્દોષના ભોગ લીધા છે.તેમણે વધુમાં જણાવતા કહ્યું કે અમે મૃતકો અને ઈજાગ્રસ્તોને ન્યાયની ખાતરી આપી છીએ. જણાવી દઇએ કે અમેરિકામાં આવી ઘટનાઓનો લાંબો અને પીડાદાયક ઇતિહાસ છે, જ્યાં ઘણી વખત શાળાઓ, કચેરીઓ અથવા શોપિંગ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. એક અહેવાલ મુજબ, ગયા વર્ષે 43,000 લોકોનાં મોત એ રીતે થયાં હતાં, કે જેઓ ફાયરિંગના કારણે માર્યા ગયા હોય.