જામનગર સમાચાર
જામનગરમાં પ્રદર્શન મેદાન સહિતના સ્થળોએ ફટાકડાઓના સ્ટોલ ખૂલ્યા છે. ધંધાર્થીઓએ ફટાકડાઓનું વેચાણ પણ શરૂ કરી દીધું છે. બીજી તરફ ફટાકડાઓના ધંધાર્થીઓને હજુ સુધી લાયસન્સ ફાળવણી પ્રક્રિયા થઈ નથી. લાયસન્સ વિના જ ફટાકડાઓ ધંધાર્થીઓ વેચી રહ્યા છે .
શહેરમાં પ્રદર્શન મેદાનમાં તો ફટાકડા બજાર ખડકાઈ ગઈ છે. લાખો રૃપિયાનો દારુગોળો સ્ટોલમાં ગોઠવાઈ ગયો છે. ઘણાં બધાં ધંધાર્થીઓએ વેચાણ પણ ચાલુ કરી દીધું છે. તે દરમિયાન ફટાકડા બજારમાં ફાયર સેફટીની વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે કે કેમ ? તેની ચકાસણીઓ થઈ છે કે કેમ ? ફટાકડાઓના બધાં જ ધંધાર્થીઓને લાયસન્સની ફાળવણી થઈ ગઈ છે કે કેમ ? વગેરે બાબતોની કોઈ જ સતાવાર જાહેરાત હજુ સુધી થવા પામી નથી !!
રેંકડીઓમાં પણ ફટાકડાઓ વેચાણ થઈ રહ્યા છે. ફાયર સેફટીના નિયમોની કોઈને ચિંતાઓ હોય એવું દેખાઈ રહ્યું નથી ! દિવાળીમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો ? અને કોઈ જાનહાનિ થાય તો ? આ પ્રકારના બનાવની જવાબદારીઓ કોણ લેશે ?! તે મુદ્દે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને લોકો તંત્ર પર આકરા આક્ષેપો લગાવી રહ્યા છે .