૮ અને ૯ ઓક્ટોબર તેમજ ૧૦ અને ૧૧ નવેમ્બરની રાત્રે ઉલ્કાપિંડોના કારણે આસમાન ઝગમગી ઉઠશે
આજથી આકાશમાં આતશબાજી થવાની છે. રાત્રિના સમયે આસમાન રંગબેરંગી થઈ ઉઠવાનું છે. કહેવાય છે કે ખરતા તારાને જોઈને જે ઈચ્છાનુ મનોમન સ્મરણ કરીએ તે જરુરથી પૂર્ણ થાય છે આ લોકવાયકામાં માનતા લોકોને ઈચ્છાપૂર્તિ માટેનો એક અનેરો મોકો મળ્યો છે કારણ કે ૮ અને ૯ ઓક્ટોબરની રાત્રે ઉલ્કાપિંડોના લીધે ખરતા તારાની વર્ષા થવાની છે.
ડ્રાકોનિડ મીટિઅર શોવર એટલે કે ઉલ્કાઓનો વરસાદ થવાનો છે. જેના કારણે દર કલાકે ખરતા તારાઓ જોવા મળશે. હકીકત જોવા જઇએ તો તારા તૂટતાં નથી. આપણે જેને ખરતાં તારા કહીએ છીએ તે તો અસલ તારાઓ કરતા નજીક અને મૂળ તો તે ઉલ્કાઓ જ હોય છે.
સૂર્યમંડળમાં અસંખ્ય ઉલ્કાઓનો જમાવડો હોય છે.આ ઉલ્કાઓ સૂર્યની આસપાસ ઘૂમ્યા કરે છે. જો કોઇ ઉલ્કા પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થાય ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ ખેંચાય છે. અને તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ઘર્ષણથી તપી જઇને તે પ્રકાશિત થાય છે. આથી ચમકતાં સ્ટાર જેવું આપણને લાગે છે.
જો કે આ ઉલ્કા ધરતી ઉપર પહોચતાં પહેલાં જ મોટા વિસ્ફોટ સાથે ફાટી જાય છે. આ સળગતી ઉલ્કા પૃથ્વી તરફ ખેચાય ત્યારે તીવ્ર પ્રકાશની એક રેખા બનાવે છે. આ કારણે જ આપણને લાગે છે કે જાણે તારો તૂટ્યો હોય.
આ ડ્રેકોનિડ એટલે કે ઉલ્કાઓની વર્ષા સંપૂર્ણ ઓક્ટોબર માસમાં સમયાંતરે થતી રહેશે.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ૨૦ અને ર૫ ઓક્ટોબરની રાત્રે મોટી સંખ્યામાં ઉલ્કાઓ જોવા મળે તેવી સંભાવના છે. જે ઓરીયન નામના તારામંડળમાંથી આવશે અને પ્રખ્યાત હેલીના ધૂમકેતુ સાથે સંબંધિત છે. આ ઉપરાંત તૌરસ પ્લેનેટેરિયમમાંથી આવનાર ઉલ્કાઓનો નજારો ૯ અને ૧૦ ઓક્ટોબર તેમજ ૧૦ અને ૧૧ નવેમ્બરની રાત્રીએ જોવા મળે તેવી સંભાવના છે.