પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તહેવાર નિમિતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
દિવાળીના તહેવારો પર ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી ગાઇડલાઇન મુજબ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામા મુજબ દિવાળીના તહેવારો નિમિત્તે રાત્રીના ૮ થી ૧૦ સુધી ફટાકડા ફોડી શકાશે તેમજ નવાવર્ષને વધાવવા માટે દિવાળીની રાત્રે ૧૧;૫૫ થી ૧૨;૩૦ સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ તા.૮ નવેમ્બર થી ૧ ડિસેમ્બર સુધી દિવાળીના તહેવાર નિમિત્તે રાત્રીના ૮થી રાત્રીના ૧૦ સુધી ફટાકડા ફોડી શકાશે તેમજ નવાવર્ષને વધાવવા માટે એટલે કે દિવાળીની રાત્રીના ફટાકડા ફોડવા માટે વધુ ૩૫ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે જે મુજબ રાત્રીના ૧૧.૫૫ થી રાત્રીના ૧૨.૩૦ સુધી ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત ફટાકડા ફોડતી વખતે કેટલાક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે, જે મુજબ જાહેર રસ્તા -સરકારી કચેરી પાસે ફટાકડા ફોડી શકાશે નહીં, રસ્તા પર કચરો અટકાવવા માટે ફટાકડાની લુમ ફોડી શકાશે નહિ, ઓનલાઈન વેબસાઈટ પર ફટાકડા ખરીદ વેચાણ નહિ કરી શકાય, વિદેશી ફટાકડા ફોડી નહિ શકાય સહિતના નિયમોનો ઉલ્લેખ કરાયો છે.