દીપાવલી ઉત્સવનું પ્રતીક છે પ્રકાશ અને ફટાકડા. જો કે છેલ્લાં ચારથી પાંચ વર્ષથી ફટાકડા ફોડવા કે કેમ..? ક્યારે, કેટલો સમય ફોડવા..? કેવા ફટાકડા વેચવા અને ફોડવા..? આ પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા છે. હાઈકોર્ટ થી માંડી સુપ્રીમ સુધી આ મુદ્દે ચર્ચા વ્યાપક બની છે. દિલ્હી, કોલકાતા જેવા પ્રદુષિત શહેરોમાં તો ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ પણ લાદી દેવા હાઈકોર્ટે આદેશ કરેલો. પણ હાલ આ મુદ્દે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે જે શહેરોમાં ઓછું પ્રદુષણ છે, જ્યાં હવાની સ્થિતિ ખૂબ નબળી નથી. એવા શહેરો કે સ્થળો પર ફટાકડા ફોડી શકાય છે અને કઈ જગ્યા પર સંપૂર્ણપણે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી શકાય નહીં. પરંતુ આના વિકલ્પ તરીકે ગ્રીન ફટાકડાને લઈ શકાય. પ્રદુષણવાળા શહેરોમાં ગ્રીન ક્રેકર્સને મંજૂરી આપી શકાય છે.
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં કલકત્તા હાઈકોર્ટે ફટાકડા ફોડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દીધો હતો. કલકત્તા હાઈકોર્ટના આ ચુકાદાને રદ કરી સુપ્રીમે દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન મંજૂરી આપી છે અને ગ્રીન ફટાકડા પર ભાર મૂક્યો છે. વાસ્તવમાં કલકત્તા હાઈકોર્ટે તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જ્યારે ફટાકડા રાજ્યમાં લાવવામાં આવે ત્યારે જ તેની ચકાસણી કરવામાં આવે. સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગ્રીન ફટાકડાની ઓળખ માટે એક મિકેનિઝમ પહેલેથી જ કાર્યરત છે. રાજ્યએ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ મિકેનિઝમ મજબૂત હોવું જોઈએ.
જસ્ટિસ એ.એમ ખાનવિલકર અને અજય રસ્તોગીની બેન્ચે કહ્યું કે ફટાકડાનો મુદ્દો નવો નથી. પ્રથમ ઓર્ડર 2018માં આવ્યો હતો, ત્યારબાદ બીજો ઓર્ડર આવ્યો હતો. અરજદારોએ આવો કોઈ નવો કેસ કર્યો નથી. આદેશના અમલીકરણમાં વ્યવહારિક સમસ્યા હોવાનું માત્ર કહેવા પૂરતું નથી. તેમણે કહ્યું કે જો કેટલાક રાજ્યોએ આ રીતે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે, તો જો કોઈ તેને પડકારશે તો કોર્ટ મામલાની સુનાવણી કરશે. જ્યારે સુપ્રીમ કોર્ટ આ મામલે નિર્ણય કરી ચૂકી છે ત્યારે સમગ્ર દેશમાં એક જ નીતિ હોવી જોઈએ.
બીજા અરજદાર વતી માલવિકા ત્રિવેદીએ કહ્યું કે ગ્રીન ફટાકડાને છૂટ આપવી જોઈએ. જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે મુખ્ય સમસ્યા ગ્રીન ફટાકડાના વેરિફિકેશનની છે. ગોપાલ શંકર નારાયણે જણાવ્યું હતું કે બોક્સ પર ગ્રીન ફટાકડા પ્રિન્ટ કરીને બેરિયમ ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. QR કોડ પણ નકલી છે. પ્રતિબંધિત ફટાકડાનું આડેધડ વેચાણ થઈ રહ્યું છે. કોર્ટના આદેશોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. CBIએ પણ પોતાના તપાસ રિપોર્ટમાં આ તમામ બાબતોનો ખુલાસો કર્યો છે.