ગુજરાતભરમાં ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ મનમૂકી ફટાકડાની મોજ મસ્તી માણી હતી. પરંતુ વધુ પ્રમાણમાં ફટાકડાથી ગુજરાતના મહાનગરોમાં આગ બનાવોમાં પણ મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યભરના શહેરોમાં આગ લાગવાની ઘટના બની છે. જોકે સારી બાબત એ રહી કે આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી 4,885 ઈમરજન્સીના કોલ નોંધાયા છે.

ત્યારે જામનગર શહેર અને આસપાસના વિસ્તારની વાત કરવામાં આવે તો, દિવાળીની રાત્રે લોકોએ મન ભરીને આતશબાજી કરીને આનંદ ઉઠાવ્યો હતો, પરંતુ ફટાકડાના કારણે ૨૭ સ્થળોએ આગજની ની ઘટના બની હતી, અને જામનગર મહાનગરપાલિકાના ફાયર તંત્રને ભારે દોડધામ થઈ હતી.

મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલા મેઈન ફાયર સ્ટેશન તેમજ જનતા ફાયર સ્ટેશન, અને બેડી ફાયર સ્ટેશનના ફાયર સ્ટાફ, ઉપરાંત દિવાળીને અનુલક્ષીને હંગામી ઊભા કરેલા દરબારગઢ, ખંભાળિયા ગેઇટ, પંપ હાઉસ અને ડી.કે.વી. સર્કલ સહિતના ચાર સ્થળોએ મુકાયેલા ફાયર ફાઈટર વગેરેની મદદથી જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોય ની આગેવાનીમાં ૭૦ જેટલા ફાયર સ્ટાફની મદદથી તમામ સ્થળોએ આગ પર કાબુ મેળવી લેવાયો હતો, અને સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. રાત્રિના ૧૦.૦૦ વાગ્યાથી લઈને વહેલી સવાર સુધી આગ બુજાવવાની કામગીરી ચાલુ રહી હતી, અને ફાયર તંત્ર સતત દોડતું રહ્યું હતું.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.