સુરેન્દ્રનગર ૪૩ ડિગ્રી, રાજકોટ ૪૨. ડિગ્રી, ભુજ ૪૦ ડિગ્રી સાથે કાળઝાળ તાપમાં શેકાયા આજે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીની લગોલગ પહોંચે તેવી સંભાવના

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રવિવારે સૂર્ય નારાયણ આકાશમાંથી અગનવર્ષા કરી હોય તેવી કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. આજે સૌરાષ્ટ્રમાં યલ્લો  એલર્ટની આગાહી આપવામાં આવી હોય અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૩ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આગામી ૩ દિવસ સુધી રાજયમાં ગરમીનો પ્રકોપ યથાવત રહે તેવી શકયતા દેખાઈ રહી છે. એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ અસહ્ય ઉકળાટના કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે.

રવિવારે સવારથી જ સૂર્ય નારાયણ આકરા મુડમાં જણાતા હતા. સવારે ૧૦ વાગ્યાથી જ અંગ દઝાડતી આકરી ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. રવિવારની રજાના દિવસે રાજમાર્ગો પર જાણે સ્વયંભુ સંચારબંધી લાદી દેવામાં આવી હોય તેવો માહોલ જોવા મળતો હતો. મોટાભાગના રસ્તાઓ સુમસામ ભાષતા હતા. કાલે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ૪૩ ડિગ્ર તાપમાન સાથે સૌથી ગરમ શહેર તરીકે રહેવા પામ્યું હતું તો અમદાવાદનું તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચી જવા પામ્યું હતું. રાજકોટમાં પણ કાલે સૂર્ય નારાયણે અગનવર્ષા કરી હતી. શહેરનું મહત્તમ તાપમાન ૪૨.૭ ડિગ્રી સેલ્સીયશ નોંધાયું હતું.

આ ઉપરાંત ગાંધીનગરનું તાપમાન ૪૨.૫ ડિગ્રી, વડોદરા ૪૧.૪ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર ૪૧.૩ ડિગ્રી, ડિસા ૪૨ ડિગ્રી કંડલા પોર્ટનું તાપમાન ૪૨.૬ ડિગ્રી, ભુજનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. આજે યલ્લો એલર્ટની આગાહી આપવામાં આવી છે. એટલે મહત્તમ તાપમાનનો પારો ૪૩ થી ૪૫ ડિગ્રી સેલ્સીયસ વચ્ચે રહે તેવી શકયતા જણાય રહી છે. હિટવેવની આગાહીને કારણે લોકોને બપોરના સમયે કામ સીવાય ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરવામાં આવી છે. સનસ્ટ્રોકથી બચવા શકય તેટલુ વધુ પાણી પીવા પણ સલાહ અપાય છે. આગામી ૩ દિવસ સુધી રાજયભરમાં ગરમીનો પ્રકોપ જારી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.