સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી

૨૩મી સુધી હિટવેવની સંભાવનાઅંગ દઝાડતી ગરમીથી જનજીવન ત્રાહિમામ

સતત વધતા તાપમાનના કારણે પશુ-પક્ષીઓની હાલત પણ દયનીય

છેલ્લા બે માસથી અંગ દઝાડતી ગરમીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓની આજે સુર્યનારાયણ અગ્નીપરીક્ષા લે તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય. સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં મહતમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી સંભાવના પણ જણાઈ રહી છે. આગામી ૨૩મી મે સુધી રાજયભરમાં હિટવેવ ચાલુ રહેશે. કાળઝાળ ગરમીમાં માનવ તો ઠીક પશુ-પક્ષીઓની હાલત પણ દયનીય બની જવા પામી છે. રેડ એલર્ટના પગલે બપોરના સમયે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા અને પુષ્કર પ્રમાણમાં પાણી પીવા માટે મહાપાલિકા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

ગઈકાલે ગુરુવારનો દિવસ સૌરાષ્ટ્ર માટે જાણે અગનભઠ્ઠી સમાન બની ગયો હોય તેમ સૌથી ગરમ દિવસ બની રહ્યો હતો. સુરેન્દ્રનગરનું તાપમાન ૪૪.૪ ડિગ્રી સેલ્શીયસે પહોંચી ગયું હતું તો રાજકોટમાં પણ ૪૪ ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું હતું. છેલ્લા બે માસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓને આગામી એક સપ્તાહ સુધી ગરમીમાં રાહત મળે તેવા કોઈ જ એંધાણ દેખાતા નથી. દરમિયાન મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આજે પણ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના રહેલી છે.

શહેરમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અર્થાત બની શકે કે તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પણ પહોંચી જાય. જયારે વાતાવરણમાં તેજનું પ્રમાણ સરેરાશ ૨૧ ટકા આસપાસ રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. રેડ એલર્ટના પગલે લોકોને બપોરના સમયે કામ વિના ઘરની બહાર ન નિકળવા પણ તાકીદ કરવામાં આવી છે. કોઈ વ્યકિત હિટવેવનો ભોગ ન બને તે માટે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. સનસ્ટ્રોકથી બચવા માટે સતત અને સમયાંતરે પાણી સહિતના પ્રવાહી લેતા લેવાની પણ અપીલ કરવામાં આવી છે. આજે રાજકોટમાં સિઝનનો સૌથી મહતમ તાપમાન નોંધાઈ તેવી શકયતા પણ વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં મહતમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને વટાવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આગામી ૨૩મી મે સુધી મહતમ તાપમાન ૪૨ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહેશે એટલે કે હજી એક સપ્તાહ સુધી લોકોને કાળઝાળ ગરમીમાંથી બહાર મળે તેવી કોઈ જ સંભાવના નથી. ગુરુવારનો દિવસ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુબ જ કઠિન રહ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં આકાશમાંથી રિતસર અગનવર્ષા થતી હોય તેવી ગરમી પડી હોવાનું નોંધાયું છે.

અમરેલીનું તાપમાન ૪૩.૭ ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન ૪૪.૪ ડિગ્રી, રાજકોટનું તાપમાન ૪૪ ડિગ્રી, ભાવનગરનું તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું હતું. આજે પણ રાજયના મુખ્ય શહેરોનું તાપમાન ૪૪ ડિગ્રીથી વધુ નોંધાય તેવી શકયતા છે. અમુક શહેરોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને આંબી જાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. આગામી ૩૦મી મે બાદ પ્રિ-મોનસુન એકટીવીટી શરૂ થયા ગરમીમાં થોડી ઘણી રાહત મળશે. છેલ્લા બે માસથી સતત આકાશમાંથી અગનવર્ષા થતી હોવાના કારણે જનજીવન અકળાય ગયું છે. માનવ તો ઠીક મુંગા પશુઓની હાલત ખુબ જ દયનીય બની જવા પામી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.