ડિજિટલ યુગમાં સતના પારખા કરાવવા ધગઘગતા તેલમાં હાથ ડુબાડયા: દંપતી સામે નોંધાતો ગુનો
૨૧મી સદીમાં વિશ્ર્વભરમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે રાજકોટના ભગવતીપરામાં ચારિત્ર્યની શંકાના કારણે સતના પારખા કરાવવા દંપત્તીએ તરૂણીના ઘગઘગતા તેલમાં હાથ ડુબાડી અગ્નિ પરિક્ષા લીધાની ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા પાસે આવેલા સુખસાગર સોસાયટી શેરી નંબર ૭માં રહેતા રાહુલ ભીમા પરમાર અને તેની પત્ની સુમનબેન પરમારે પાડોશમાં રહેતી ૧૭ વર્ષની સગીરાના ઉકળતા તેલની કડાઇમાં હાથ ડુબાડી દીધાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
૧૭ વર્ષની તરૂણી અને રાહુલ પરમાર સુખસાગર સોસાયટીના પ્રવિણાબેન જેઠવાના મકાનમાં ભાડે રહેતા હોવાથી બંને એક બીજાના પરિચત હોવાથી બે માસ પહેલાં તરૂણી પોતાના ઘરે એકલી હતી ત્યારે રાહુલ પરમાર ત્યાં આવ્યો હતો અને નજર બગાડી હતી પરંતુ તરૂણી પોતાની આબરૂ બચાવી ભાગી ગયા બાદ પોતાની માતાને જાણ કરી હતી.
તરૂણીની માતાએ રાહુલ પરમારને ઠપકો દેતા તેને ઇન્કાર કરી ઝઘડો કર્યો હતો. આમ છતાં બંને પરિવાર વચ્ચે મનદુ:ખ ચાલતું હોવાથી રાહુલ પરમારની પત્ની સુમને સતના પારખા કરાવવા ગરમ તેલમાં તરૂણી અને રાહુલ પરમારે હાથ ડુબાડવાનો નુસ્કો શોધી કાઢયો હતો.
ગત તા.૨૧મીએ સાંજે તેલને ગરમ કર્યા બાદ તરૂણીના હાથને રાહુલ અને સુમને ડુબાડી દેતા ગંભીર રીતે દાઝી જતા રાહુલ પરમારે પોતાના હાથ ઉકળતા તેલમાં ન નાખી ભાગી ગયો હતો. તરૂણીને સારવાર માટે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી ઘરે આવી ગયા બાદ ફરી દુ:ખાવો શરૂ થતા સારવાર માટે ગઇકાલે ફરી દાખલ કરાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
બી ડિવિઝન પોલીસે રાહુલ પરમાર અને તેની પત્ની સુમન પરમાર સામે ગુનો નોંધી રાહુલ પરમારની ધરપકડ કરી છે. તરૂણીની પિતા હયાત ન હોવાથી સફાઇ કામદાર તરીકે નોકરી કરતી માતાએ ફોટોગ્રાફર તરીકે કામ કરતા યુવાન સાથે પુન: લગ્ન કરી પ્રવિણાબેન જેઠવાના મકાનમાં ભાડે રહેવા આવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com