- વર્ષ 2023માં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગ્યાની વિગતો ફાયર વિભાગે છુપાવ્યાનો એસઆઈટીના રિપોર્ટમાં ખુલાસો
અગ્નિકાંડમાં સતત કડાકા ભડાકા થઇ રહ્યા છે. તપાસ માટે નિમાયેલી આઈપીએસ સુભાષ ત્રિવેદીની વડપણ હેઠળની એસઆઈટીએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધા બાદ આ રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયાંનું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોએ આપેલી વિગતો અનુસાર ટીઆરપી ગેમઝોનને પીજીવીસીએલએ ગેરકાયદે વીજ કનેક્શન આપ્યાનો ખુલાસો એસઆઈટીના રિપોર્ટમાં થયો છે. જયારે બીજી બાજુ વર્ષ 2023ના સપ્ટેમ્બર મહિનામાં પણ ગેમઝોન ખાતે આગ લાગી હતી. જે ઘટનાની વિગતો ફાયર બ્રિગેડએ છુપાવ્યાનો ઉલ્લેખ પણ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે, એકતરફ જયારે આ વિગતો મળી રહી છે ત્યારે બીજી બાજુ ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર અને પીજીવીસીએલના ડેપ્યુટી એન્જીનીયરને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવાયા છે. ત્યારે હવે આ મામલે મોટા પગલાં લેવાય તેવી પ્રબળ શક્યતા છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર સિનિયર આઈપીએસ સુભાષ ત્રિવેદીની વડપણ હેઠળ એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીએ રાજકોટની સર્કિટ હાઉસને તપાસ ગૃહમાં તબદીલ કરી અસંખ્ય અધિકારી-કર્મચારીઓની પૂછ પરછ હાથ ધરી હતી. એસઆઈટી અતથી ઇતિ સુધી તમામ મુદ્દાની તપાસ કરતા અનેક ખુલાસા થયાનું સામે આવી રહ્યું છે. આ તપાસમાં એસઆઈટીને એવુ પણ જાણવા મળ્યું છે કે, પીજીવીસીએલએ ગેરકાયદેસર રીતે ગેમઝોનને વીજ કનેક્શન આપ્યું હતું. આ બાબતનો ઉલ્લેખ એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં કર્યાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ રિપોર્ટ બાદ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જીનીયર એસ કે ચૌહાણને તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ હેતુથી બોલાવી લેવામાં આવ્યા હતા.
બીજી બાજુ 25 સપ્ટેમ્બર 2023ના રોજ પણ ટીઆરપી ગેમઝોનમાં આગની ઘટના બની હતી પરંતુ આ આગ પર કાબુ મેળવી લેવાતા કોઈ જાનહાની કે મોટી માલહાની થઇ ન હતી અને સમગ્ર ઘટનાને દબાવી દેવાતી હોય તેમ ફાયર બ્રિગેડે સપ્ટેમ્બર માસમાં લાગેલી આગની વિગતો છુપાવ્યાનો ખુલાસો એસઆઈટીના રિપોર્ટમાં કરવામાં આવ્યા છે. હવે તેવામાં ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર બી જે ઠેબાને પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેડું મોકલવામાં આવ્યું હતું અને હાલ તેમની પણ પૂછપરછ કરાઈ રહી છે.
અગ્નિકાંડના ધુમાડામાં ભ્રષ્ટાચારની ‘બદબુ’
આવતા તપાસમાં એસીબીએ ઝુકાવ્યું: 5 ટીમના ધામા
અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં બેજવાબદાર અધિકારીઓની સંડોવણી સામે આવતા આ અધિકારીઓની ફક્ત લાપરવાહી હતી કે પછી કોઈ વહીવટથી આંખ આડા કાન ધરી દેવામાં આવ્યા હતા તે દિશામાં હવે તપાસ શરૂ થવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર એન્ટી એન્ટીકરપ્શન બ્યુરોના ડિરેક્ટર શમશેરસિંઘના માર્ગદર્શનમાં જોઈન્ટ ડિરેકટર બિપિન આહીરેના નેતૃત્વમાં એક તપાસ સમિતિ બનાવવામાં આવી છે જે સમિતિ ઘટનામાં સંદીગ્ધ અધિકારીઓની અપ્રમાણસર મિલ્કતોની તપાસમાં ઝુકાવ્યું છે. અને 5 ટીમો દ્વારા આજથી રાજકોટમાં ધામા નાખી તપાસનો ધમધમાટ આદર્યો છે. આથી અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થવા જઈ રહ્યો હોય તેવી રીતે એસીબીએ તપાસમાં ઝુકાવતા આગામી દિવસમાં અનેક ખુલાસા થવાની પ્રબળ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 30 નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવામાં જવાબદાર અધિકારીઓએ ભ્રષ્ટાચાર થકી ભેગી કરેલી અપ્રમાણસરની મિલકતો અને બેંક બેલેન્સની પણ તપાસ થાય તેવી શક્યતા છે.