તમામ હોસ્પિટલોને ૧૫ દિવસમાં ફાયર  એન. ઓ.સી.મેળવી લેવા કોર્પોરેશનની જાહેર નોટિસ:ફાયર   એન.ઓ.સી. ન ધરાવતી હોસ્પિટલનું લિસ્ટ વેબસાઇટ પર મુકાયું ,જરૂર પડ્યે હોસ્પિટલો સીલ પણ કરાશે:મ્યુનિ.કમિશનર

ગત મહિને શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં છ દર્દીઓ ભડથું થઇ ગયા બાદ સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી હવે મહાપાલિકાનું નિંભર તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરમાં તમામ હોસ્પિટલોને ૧૫ દિવસમાં ફાયર બ્રિગેડનું એન.ઓ.સી. મેળવી લેવા આજે કોર્પોરેશન દ્વારા જાહેર નોટીસ ફટકારવામાં આવી છે.જો પખવાડિયા માં ફાયર એન. ઓ.સી.લેવામાં નહીં આવેલુ હોય તેવી હોસ્પિટલો નવા દર્દીઓને સારવાર માટે દાખલ કરી શકશે નહીં.આજે મહાપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર દર્દીઓ માટે જીવતા બોંબ સમાન એવી ફાયર એન. ઓ.સી.  ન ધરાવતી હોસ્પિટલનું લિસ્ટ પણ મૂકવામાં આવ્યું છે.બીજી તરફ આગની ઘટનામાં કોઈની જાનહાનિ ન થાય તે માટે ૨૫ જુનિયર ફાયરમેનની ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિ કાંડની ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી છે.જેના અનુસંધાને આજે મ્યુનિસિપલ  કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા એવી જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે કે રાજકોટ મહાપાલિકાની હદમાં આવેલી તમામ હોસ્પિટલોએ ફરજિયાત પણ ફાયર ખાતાનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. આગામી ૧૫ દિવસમાં ફાયર વિભાગનું એન.ઓ.સી. મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. જો આ સર્ટિફિકેટ સક્ષમ સત્તા પાસેથી મેળવવામાં નહીં આવે તો હોસ્પિટલના માલિક કે મેનેજમેન્ટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ફાયર એન.ઓ.સી.મેળવેલું હોય અને ફાયર સિસ્ટમ અંગે હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવેલી નહીં હોય તેમ જ હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ કાર્યરત રાખવામાં નહીં આવી હોય આવા કિસ્સામાં આગ લાગશે અને મને કે કોઈ હોનારત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી હોસ્પિટલના માલિક કે મેનેજમેન્ટની રહેશે તેઓ ઉલ્લેખ પણ જાહેર નોટીસમાં કરવામાં આવ્યો છે.હોસ્પિટલ બિલ્ડિંગમાં સ્ટરકેશ અને ફાયરસેફ્ટીની જોગવાઈ મુજબ વેન્ટિલેશન રાખવાના રહેશે. આજે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરી મહાપાલિકામાં આવેલી તમામ હોસ્પિટલોને આગામી ૧૫ દિવસમાં ફાયરનું એન.ઓ.સી મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. સાથોસાથ હાલ જે હોસ્પિટલ પાસે ફાયર એન. ઓ.સી. નથી તેનું લીસ્ટ કોર્પોરેશનની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. પંદર દિવસમાં જે હોસ્પિટલ ફાયર એન.ઓ.સી. નહીં મેળવ્યુ હોય તેવી હોસ્પિટલ સારવાર માટે નવા કોઈ દર્દીઓને દાખલ કરી શકશે નહીં.ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા જે જે હોસ્પિટલોને નોટીસ આપવામાં આવી છે તે હોસ્પિટલોએ અચૂક ફાયર એન.ઓ.સી. મેળવી લેવાનું રહેશે. હાલ આ હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાં હવે નવા દર્દીને દાખલ કરી શકાશે નહી, તેમજ સારવાર હેઠળના આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે ત્યાં સુધીમાં હોસ્પિટલે ફાયર એન.ઓ.સી. મેળવી લેવાનું રહેશે. અન્યથા ત્યારબાદ આવી હોસ્પિટલો સીલ કરી દેવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

રાજકોટનો  વિસ્તાર  અને વસ્તી સતત વધી રહ્યો છે. આવામાં અલગ અલગ જગ્યાએ ફાયર સ્ટેશનો કાર્યરત કરવામાં આવી રહ્યા છે આગ લાગ્યાની ઘટનામાં તાકીદે ફાયરની ટીમ પહોંચી જાય સ્ટાફની અછત ન વર્તાય તે માટે આજે કોર્પોરેશન દ્વારા ૨૫ જુનિયર ફાયરમેનની ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે .આગામી ૬ જાન્યુઆરી સુધીમાં ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉદય હોસ્પિટલમાં અગ્નિ કાંડની ઘટના બન્યા બાદ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા રોજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફાયર સેફટીની ચેકિંગ હાથ ધરી ૩૦થી ૪૦ આસામીને નોટિસ ફટકારવામાં આવે છે. શહેરમાં તમામ લો-રાઇઝ અને હાઈરાઈઝ બિલ્ડીંગ,હોસ્પિટલો,શોપિંગ મોલ અને કોમ્યુનિટી હોલ સહિતના સાધનો વસાવી લેવા જાહેર નોટિસ પણ આપી દેવામાં આવી છે.પરંતુ નોટિસ ફટકારી ફાયરબ્રિગેડ વિભાગ સંતોષ માની લે છે. બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવામાં આવ્યા છે કે કેમ તેની કોઇ તકેદારી લેવામાં આવતી નથી ઉદય કોવિડ હોસ્પિટલ માં પણ કયા કારણોસર આગની ઘટના બની તે અંગે હજી સત્તાવાર ચોખવટ તંત્ર દ્વારા કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.