રાજયભરમાં ઓરેન્જ એલર્ટ જાહેર ત્રણ દિવસ કાળઝાળ ગરમી પડશે ૪૪.૩ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજયનું સૌથી ગરમ શહેર.
છેલ્લા દોઢ માસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓને આગામી દિવસોમાં ગરમીથી રાહત મળે તેવા કોઈ જ એંધાણ દેખાતા નથી. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી રાજયમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર રહેશે.
આકાશમાંથી રિતસર અગનવર્ષા થઈ રહી હોય સૌરાષ્ટ્ર જાણે ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. શુક્રવારે ૪૪.૩ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. આજે પણ સુર્યનારાયણ કાળઝાળ રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
રાજયમાં છેલ્લા દોઢ માસથી કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજયભરમાં આગામી ૩ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે રાજયમાં મહત્તમ તાપમાનનો પારો ૪૩ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહેશે. ગઈકાલે શુક્રવારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયું છે.
સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર ૪૪.૩ ડિગ્રી તાપમાન સાથે રાજયનું સૌથી હોટેશ સિટી તરીકે નોંધાયું હતું. આ ઉપરાંત ભાવનગરનું તાપમાન ૪૩.૧ ડિગ્રી, રાજકોટનું તાપમાન ૪૨.૮ ડિગ્રી, ભુજનું તાપમાન ૪૧.૪ ડિગ્રી નોંધાયું હતું તો અમદાવાદનું તાપમાન ૪૪ ડિગ્રી, ઈડરનું તાપમાન ૪૬.૬ ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન ૪૩.૨ ડિગ્રી, ડિસાનું તાપમાન ૪૨.૯ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન ૪૨.૭ ડિગ્રી નોંધાયું હતું.
સવારથી જ સુર્યનારાયણ રિતસર કાળઝાળ બની આકાશમાંથી અગનવર્ષા કરી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે ૧૧ થી સાંજના ૬ વાગ્યા સુધી અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થાય છે. રાજયમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય. રાજકોટ સહિત રાજયભરની મહાપાલિકા દ્વારા લોકો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નિકળતા તાકીદ કરવામાં આવી છે.
સંસ્ક્રોપથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવવાનું પણ જણાવવામાં આવ્યું છે. બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી લગાડી દેવામાં આવી હોય તેવો સન્નાટો જોવા મળી રહ્યો છે. જોકે રાજકોટમાં મોડી સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા હોવાના કારણે લોકોને થોડીક રાહત મળે છે. આગામી ત્રણ દિવસ સુધી ઓરેન્જ એલર્ટના કારણે રાજયના અમુક શહેરોમાં મહતમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને આસપાસ રહે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com