શોર્ટ સર્કિટના કારણે વહેલી સવારે આગ ભભુકતા ઈલેકટ્રીક અને મેઈન પેનલ બળીને ખાખ: રૂ.૨૦ થી ૨૫ લાખનું નુકસાન: ૧૫ થી ૨૦ દિવસ ઓડિટોરીયમ બંધ રહેશે
શહેરના વોર્ડ નં.૯માં રૈયા રોડ પર આવેલા મહાનગરપાલિકાના પ્રમુખ સ્વામી ઓડિટોરીયમના ઈલેકટ્રીક રૂમમાં આજે સવારે અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠતા ઈલેકટ્રીક અને મેઈન પેનલ બળીને ખાખ થઈ ગઈ હતી. મોટાપાયે રીપેરીંગની કામગીરી હાથ ધરવી પડે તેવી સ્થિતિનું નિર્માણનું થતા ૧૫ થી ૨૦ દિવસ ઓડિટોરીયમ બંધ રહે તેવી સંભાવના જણાઈ રહી છે. રૂ.૨૦ થી ૨૫ લાખનું નુકસાન થવા પામ્યું છે.
આ અંગે એસ્ટેટ શાખા અને રોશની શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે શહેરના રૈયા રોડ વિસ્તારમાં વીજ પુરવઠો ઉપલબ્ધ ન હોવાના કારણે રૈયા રોડ પર આવેલા મહાપાલિકાના પ્રમુખસ્વામી ઓડિટોરીયમમાં યુપીએસ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જેની બેટરીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ઈલેકટ્રીક રૂમમાં આગ ભભુકી ઉઠી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની જ મિનિટોમાં ઈલેકટ્રીક રૂમની તમામ પેનલો ઉપરાંત મેઈન ઈલેકટ્રીક પેનલ પણ બળીને ખાખ થઈ ગઈ હતી જેના કારણે ઓડિટોરીયમમાં એક પણ લાઈટ ચાલુ ન થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે. સંપુર્ણ ઈલેકટ્રીક રૂમનું પીઓપી અને અન્ય મશીનરી પણ બળીને ખાખ થઈ ગઈ છે. રોશની શાખા દ્વારા તાબડતોબ કલીનીંગ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ઓડિટોરીયમમાં જે એજન્સી દ્વારા ઈલેકટ્રીક કામ કરવામાં આવ્યું હતું તેને તાબડતોબ જાણ કરી દેવામાં આવી છે. આગામી ૧૫ થી ૨૦ દિવસ સુધી ઈલેકટ્રીક અને મેઈન પેનલનું રીપેરીંગ કામ ચાલે તેવી શકયતા જણાતા એસ્ટેટ શાખાએ તાત્કાલિક અસરથી ઓડિટોરીયમનું બુકિંગ બંધ કરી દીધું છે જે લોકોએ બુકિંગ કરાવ્યું છે તેઓનું બુકિંગ પણ રદ કરી દેવામાં આવ્યું છે અને તેમને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. બુકિંગ કરનારી સંસ્થા ઈચ્છે તો અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમ ખાતે પોતાનો કાર્યક્રમ યોજી શકે છે. આ ઉપરાંત કાર્યક્રમની તારીખ પણ પાછી ઠેલી શકે છે. અંદાજે ૮ થી ૧૦ બુકિંગ રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે ઓડિટોરીયમ ખાતે કોઈ બુકિંગ ન હોવાના કારણે જયારે આગ ભભુકી ઉઠી ત્યારે કોઈ જાનહાની થવા પામી ન હતી. આગના કારણે મહાપાલિકાને ૨૦ થી ૨૫ લાખ રૂપિયાની નુકસાની થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.