શૈક્ષણીક સત્રનાં પ્રથમ દિવસે જ ગોપીપુરા વિસ્તારની શાળામાં શોર્ટ સર્કિટથી આગ લાગી, ફાયર બ્રિગેડે મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો
સુરતની વધુ એક સ્કુલમાં આજે આગ લાગી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગોપીપુરા વિસ્તારની શાળામાં સત્રનાં પ્રથમ દિવસે જ શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.જોકે ફાયર બ્રિગેડે મહામહેનતે આગ ઉપર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
તાજેતરમાં સુરતની તક્ષશીલા આર્કેડ નામની બિલ્ડીંગમાં આગ લાગી હતી. જેમાં ખાનગી ટયુશન કલાસીસને આગની જવાળા ભરખી જતા ૨૩ વિદ્યાર્થીઓનાં મોત નિપજયા હતા. આ બનાવ બાદ રાજયભરમાં ફાયર સેફટીની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ દરમિયાન આજે સુરતનાં ગોપીપુરા વિસ્તારમાં આવેલી રાયચંદ દિપચંદ સ્કુલમાં વહેલી સવારે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.
આજે શૈક્ષણીક સત્રનો પ્રથમ દિવસ હતો. વેકેશન પૂર્ણ કરીને બાળકો આજે સ્કુલે પહોચ્યા હતા તે વેળાએ શાળામાં આગ લાગતા દોડધામ મ ચી જવા પામી હતી. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં તેઓએ પાણીનો મારો ચલાવતા મહામહેનતે આગ ઉપર કાબુ મેળવાયો હતો. પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટનાં કારણે આ આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હજુ તક્ષશીલા આર્કેડમા લાગેલી આગના બનાવની હજી શાહી સુકાઈ નથી ત્યાં બીજો એક આગનો બનાવ સામે આવત તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે. જોકે સદનસીબે આજના આ બનાવમાં કોઈ જાનહાની ન થતા લોકોમાં હાશકારો લીધો હતો.