દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના આઇસીયુમાં ભીષણ આગ: 50 દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાયા
જીવના જોખમે દર્દીઓને બચાવનાર બે નર્સિંગ કર્મચારી ખુદ આઇસીયુમાં
ઉતર પ્રદેશના કાનપુરની કાડિયોલોજી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં લાગેલી આગને હજુ થોડા દિવસો જ થયા છે ત્યાં એવી જ એક ઘટના નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં બની છે. બુધવારે સવારે 6 કલાકે આઇસીયુ વોર્ડમાં આગ ભભૂકી ઉઠી હતી.
જો કે આ દુર્ધટનામાં કોઇના જીવ ગયા નથી પણ આ વોર્ડમાં સારવાર લેતા 50 દર્દીઓને સલામત રીતે બહાર કાઢી બીના વોર્ડમાં ખસેડનારા બે હોસ્પિટલ કર્મચારીને આઇસીયુમાં સારવાર લેવાની નોબત આવી હતી.
મળતી માહીતી મુજબ નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના પ્રથમ માળે આઇસીયુ વોર્ડમાં આજે સવારે 6 કલાકે આગ ભભૂકી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 9 ગાડીઓ સાથે કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ આગ ત્યારે આ વોર્ડમાં પ0 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેને ફરજ પરના આરોગ્ય કર્મચારીઓએ બીજા વોર્ડમાં ખસેડયા હતા.
આગ લાગ્યાની જાણ થતાં જ ફરજ પરના આરોગ્ય કર્મચારીઓ પોતાના જીવન જોખમે દર્દીઓને બીજા વોર્ડમાં ખસેડવાની તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન બે અધિકારીઓના ફેફસામાં ઘુમાડા જતા શ્ર્વાસ રૂંધાવા લાગ્યો હતો. અને બન્નેની હાલત ગંભીર બની ગઇ હતી.
દર્દીઓને બીજા વોર્ડમાં ખસેડાયા બાદ આ બન્ને અધિકારીઓને બીજા વોર્ડમાં આઇસીયુમાં ભરતી કરવા પડયા હતા. હાલ બન્નેની સઘન સારવાર ચાલી રહી છે. બન્ને અધિકારીઓએ પોતાના જીવન જોખમમાં મુકી દર્દીઓને અન્યત્ર ખસેડતા એકેય દર્દીને કોઇ મુશ્કેલી પડી નથી તેમ બહાર આવ્યું છે.