મુંબઈના ચેમ્બુરમાં આવેલી રિહાયસી હાઉસીંગ સોસાયટીમાં આગ લાગતા પાંચ લોકોના મોત થયા છે. જેમાં ચાર વૃધ્ધોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ અંધેરીના ઈએસઆઈસી હોસ્પિટલમાં આગ લાગતા ૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિનાશના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે હવે મુંબઈની સરગમ સોસાયટીના ૧૪ના માળે આગ લાગવાના કારણે ૫ના મોત અને ૨૧ લોકો ઘાયલ થયા હતા. જો કે તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને આશંકા છે કે, શોર્ટ સર્ક્રિટને કારણે દુર્ઘટના ઘટી હતી.
પોલીસનું કહેવું છે કે, સૌથી પહેલા એક મોટા ધમાકાનો અવાજ આવ્યો અને ત્યારબાદ આગ લાગી હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની તાત્કાલીક ધોરણે એક ડઝન ગાડીઓ દોડાવવામાં આવી હતી.
મૃત્યુ પામેલ લોકોમાં ૭૨ વર્ષિય સુનીતા જોષી, ૭૨ વર્ષિય ભાલચંદ્ર જોષી, ૮૩ વર્ષિય સુમન શ્રીનિવાસ જોષી, ૫૨ વર્ષિય સરલા સુરેશ ગંગાર અને ૮૩ વર્ષનાં લક્ષ્મીબેન પ્રેમજી ગંગારનો સમાવેશ થાય છે. ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું ચે કે આગ ઉપર કાબુ મેળવી લેવામાંક આવ્યું છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી શોકનો માહોલ છવાયો છે.