જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા એક કારખાનામાં ગઈરાત્રે અકસ્માતે આગ ભભૂકી હતી. સેલરના ભાગમાં ચલાવાતા આ કારખાનામાં અગ્નિશમન માટે અંદર જવું ફાયરબ્રિગેડ માટે મુશ્કેલ બન્યું હોવા છતાં બે ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા કોમેટ મેટલ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગઈકાલે રાત્રે સવા નવેક વાગ્યે ધૂમાડાના ગોટેગોટા નીકળવાનું શરૃ થતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણના પગલે દોડી ગયેલા ફાયરના જવાનો વિનાયક કોલ્ડ સ્ટોરેજ સામે આવેલા આ કારખાના સુધી પહોંચ્યા હતા, પરંતુ આ કારખાનું સેલરમાં આવેલું હોય તેમાં પ્રવેશવું મુશ્કેલ બન્યું હતું.
આમ, છતાં ફાયરબ્રિગેડે અગ્નિશમનની પૂર્ણ તૈયારીઓ આરંભી બહારના ભાગમાં પાણીનો મારો ચલાવવાનું શરૃ કર્યું હતું. સતત બે ગાડી વડે પાણીનો મારો ચલાવાતા દોઢેક કલાકની જહેમત પછી આગ કાબૂમાં આવી ગઈ હતી.
ફાયરબ્રિગેડની કામગીરી નિહાળવા માટે સ્થળ પર ટોળું જામ્યું હતું ત્યારે સેલરમાંથી ધૂમાડાના ગોટા વચ્ચે આગ જોવા મળતી ન હોવા છતાં અંદાજ કાઢી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
આગના કારણે તે કારખાનામાં પડેલી મશીનરી પૈકીના પચ્ચીસ મશીનો અને ઓફિસનો કેટલોક માલસામાન સળગીને ખાખ થઈ ગયો હતો. કારખાનાના માલિક મહિપતભાઈ મોલિયાએ આગ અકસ્માતે લાગી હોવાનું ફાયરબ્રિગેડને જણાવ્યું હતું.