7000 લીટર પાણીની કેપીસીટી વાળા બે અત્યાધુનિક ફાયર ફાઈટરો વસાવાયા એક વાહનનો થશે ઉમેરો

જામનગર મહાનગર પાલિકાના ફાયર વિભાગને વધુ સુસજજ બનાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે, અને મહાનગરપાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગ દ્વારા રૂપિયા ત્રણ કરોડના ખર્ચે નવા અત્યાધુનિક સાત જેટલા વાહનો ખરીદવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને ક્રમશ: છ જેટલા વાહનો આવી ચૂક્યા છે. જે પૈકી આજે 7,000 લીટર પાણીની કેપેસિટી વાળા બે નવા ફાયર ફાઈટરો મહાનગરપાલિકાની કચેરીને મળી ચૂક્યા છે. ઉપરાંત હજુ એક વાહન આવકમાં છે.

જામનગર મહાનગર પાલિકાના ફાયર વિભાગના જુના વાહનો અને ફાયર ફાઈટરો ની જગ્યાએ નવા અને અત્યાધુનિક વાહનો ફાયર ફાઈટર વગેરેને વસાવવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, અને અગાઉ નાના વિસ્તારમાં જઈ શકે તેવા મિનિ ફાયર ફાઈટર- જીપ સહિતના ચાર જેટલા વાહનો આવી ચૂક્યા હતા.

દરમિયાન આજે 7,000 લીટર પાણીની કેપેસિટી વાળા બે અત્યાધૂનીક ફાયર ફાઈટરો મહાનગરપાલિકાની કચેરીમાં આવી ચૂક્યા છે, અને આગામી દિવસોમાં તેનો ઉપયોગ શરૂ કરી દેવાશે. આ ઉપરાંત હજુ વધુ એક અત્યાધુનિક વાહન નજીકના ભવિષ્યમાં જામનગર આવી પહોંચશે.જે તમામ સાત વાહનોનો ઉપયોગ ટૂંક સમયમાં શરૂ કરી દેવાશે.

આગામી 1લી મે ના દિવસે  ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી જામનગરમાં થઈ રહી છે, ત્યારે સંભવિત રીતે તમામ વાહનોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થાય તેમ મનાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.