ફાયર બ્રિગેડના સ્ટાફને તાલીમ અપાયા બાદ નવું હાઇડ્રોલીક પ્લેટફોર્મનું લોકાર્પણ કરાશે સૌરાષ્ટ્રનું પ્રથમ અને ગુજરાતનું બીજું હાઇડ્રોલીક પ્લેટફોર્મ રૂા.20.12 કરોડના ખર્ચે કોર્પોરેશને ખરીદ્યું
અબતક, રાજકોટ
રાજકોટ હવે 22 માળથી પણ વધુ ઉંચાઇની ઇમારતોનું નિર્માણ થઇ રહ્યું છે. જો આવી ઇમારતોમાં આગ લાગે તો મોટી ખુંમારી ન સર્જાય તે માટે કોર્પોરેશન દ્વારા રૂા.20.12 કરોડના ખર્ચે 81 મીટરની ઉંચાઇ ધરાવતા હાઇડ્રોલીક પ્લેટફોર્મની ખરીદી કરવામાં આવી હતીે. આ નવા મશીનનું રાજકોટમાં આગમન થઇ ગયું છે. હાલ મશિન ઓપરેટ કરવા માટે ફાયર બ્રિગેડના સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ પૂર્ણ થયા બાદ આ હાઇડ્રોલીક પ્લેટફોર્મનું લોકાર્પણ કરી દેવામાં આવશે. આ નવું હાઇડ્રોલીક પ્લેટફોર્મ ન્યૂ રાજકોટમાં રાખવામાં આવશે. સમગ્ર રાજ્યમાં એકમાત્રનું હાઇડ્રોલીક પ્લેટફોર્મ અમદાવાદ કોર્પોરેશન પાસે ઉપલબ્ધ છે. હવે બીજું પ્લેટફોર્મ રાજકોટ મહાનગરપાલિકાએ વસાવ્યું છે. આજે મેયર સહિતના પદાધિકારીઓએ આ નવા હાઇડ્રોલીક પ્લેટફોર્મનું નિદર્શન નિહાળ્યુ હતું અને તેની ખૂબીઓ વિશે માહિતગાર થયાં હતાં.
રાજકોટ શહેરનો દિનપ્રતિદિન વસ્તી અને વિસ્તારમાં ખુબજ વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખી ફાયરની સર્વિસ છેવાડાના માનવી સુધી મળી રહે. તે માટે ફાયર બ્રિગેડ વિભાગ માટે તબક્કાવાર જુદા જુદા સાધનોની ખરીદી કરવામાં આવી રહી છે. શહેરમાં હાઈરાઈઝ બિલ્ડીંગ ખુબજ બનેલ છે અને નવા નવા બિલ્ડીંગો નિર્માણ પામી રહેલ છે. આવા બિલ્ડીંગોને ફાયરની સુવિધા મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુંબઈની એજન્સી પાસેથી રૂ.20.12 કરોડના ખર્ચે 81 મીટર હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવામાં આવેલ છે. આજે મેયર ડો.પ્રદિપ.ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક નેતા સુરેન્દ્રસિંહ વાળા, ડે.કમિશનર આશિષ કુમાર તથા અગ્નિ સામક કમિટીના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, ચીફ ફાયર ઓફિસર ખેર, ડે.ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, વર્કશોપ એન્જીનિયર કાસુન્દ્રા વિગેરે 81 મીટર હાઈડ્રોલિક પ્લેટફોર્મનું નિદર્શન કર્યુ હતું. કંપનીના એન્જીનિયર દ્વારા રાજકોટના મહાનગરપાલિકા અધિકારી/કર્મચારીઓને ટ્રેનિગ આપશે. કર્મચારીઓ દ્વારા ટ્રેનીંગ લીધા બાદ હાઇડ્રોલિક પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલમાં 45 મીટરની ઉંચી ઈમારતો માટે ફાયર ફાઈટિંગની સુવિધા આપવા સક્ષમ છે. પરંતુ શહેરમાં 70 થી 75 સુધીની ઉંચી ઈમારતો માટે 81 મીટર હાઈડ્રોલિક પ્લેટફોર્મ સ્માર્ટ સિટી અંર્તગત ખરીદ કરવામાં આવેલ છે. નવા વિકસિત એરીયા તેમજ નવા રીંગ રોડ પર ઈમારોતોમાં રહેતા લોકોને ફાયરની સુવિધા ઉપલબ્ધ થશે. તેમ અંતમાં પદાધીકારીઓએ જણાવ્યું હતું.