ગ્રામજનો અને વન વિભાગે આગને કાબુમાં લીધી: આગનું કારણ શોધતી તંત્ર
ખાંભા ગ્રામ્ય વિસ્તારના રેવન્યુ અને જંગલમાં આગ લાગવાના બનાવો અવાર નવાર જોવા મળી રહ્યા છે ત્યારે આજે પણ આગ લાગવાની વધુ એક ઘટના બનવા પામી હતી. ખાંભા નજીક નજીકના મિતિયાળા અભ્યારણ ની બોર્ડર અને નાનુડી ગામના રેવન્યુના ડુંગરોમાં બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી,જેને લઈને ખાંભા મામલતદાર રામ સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા,
રેવન્યુ વિસ્તાર ના ડુંગરોમાં વિકરાળ સ્વરૂપ લીધેલી આગ પર કાબુ મેળવવા આસપાસના સ્થાનિક લોકો પણ સ્વયં કામે લાગી ગયા હતા, બાદ ખાંભા અને સાવરકુંડલા આર.એફ.ઓ.ને જાણ થતાં, સાવરકુંડલા અને મીતીયાળા અભ્યારણ તેમજ ખાંભા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી જઈ અને આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે રેવન્યુ અને મીતયાળા અભયારણ્યમાં વસતા સિંહ સહિત વન્યપ્રાણીઓના જીવ ઉપર ખતરો મંડરાયો હતો.
જો કે વનવિભાગ અને સ્થાનિક સ્ટાફની મહા મહેનતે નાનુડી ગામના રેવન્યુ ના ડુંગરો પર અને મિતિયાળા અભ્યારણ સુધી આગ પ્રસરે તે પહેલાં જ આ આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારે ખાંભા મામલદાર અને વન વિભાગ દ્વારા રેવન્યુ વિસ્તારમાં કોના દ્વારા આગ લગાવવામાં આવે છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.