આજે સવારથી શરૂ કરાયેલી ફાયરમેનની ભરતી પ્રક્રિયા ૧૫મી સુધી સ્થગિત કરતા મ્યુનિ.કમિશનર
કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખામાં ૯ જુનિયર કલીનર કમ ફાયરમેનની ભરતી કરવા માટે આજથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડું ત્રાટકે તેવી દહેશતનાં પગલે આગામી ૧૫મી જુન સુધી ભરતી પ્રક્રિયા રદ કરવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ૯ ફાયરમેનની જગ્યા માટે ૩૩૦૦થી વધુ અરજીઓ આવી છે જેના માટે આજે સવારથી પરીક્ષા સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં પણ ૧૩મીનાં રોજ વાવાઝોડાની અસર દેખાઈ તેવી પ્રબળ સંભાવના જણાતાં આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા આગામી ૧૫મી સુધી ફાયર બ્રિગેડમાં ભરતી પ્રક્રિયા રદ કરવાની સુચના આપી દેવામાં આવી છે. બીજી તરફ ગાર્ડન શાખાનાં વડા ડો.ખીમજીભાઈ હાપલીયાએ શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું છે કે, વાવાઝોડામાં ભારે પવન ફુંકાવાનાં કારણે વૃક્ષો ધરાશાયી થવાની પ્રબળ સંભાવના હોય છે આવામાં શહેરીજનોને આગામી બે-ચાર દિવસ વૃક્ષો નીચે ઉભું ન રહેવા તથા વાહન પાર્ક ન કરવા અપીલ કરવામાં આવી છે.