અબતક, રાજકોટ

કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના બન્યા બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તમામ મહાનગર પાલિકા વિસ્તારમાં દર મહિનાની છઠ્ઠી તારીખે હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરવા આદેશ આપવામાં આવ્યો છે. તેના પગલે આજે કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખા દ્વારા શહેરના આઠ ફાયર સ્ટેશન વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાં આગની મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં જો ભવિષ્યમાં આગ લાગવાની ઘટના બને તો કેટલા સમયમાં ફાયર ફાઇટર પહોંચી શકે છે અને આગમાં ફસાયેલા લોકોને કેટલા સમયમાં સહી-સલામત બહાર કાઢી શકાય છે. તે સહિતની બાબતની ચકાસણી કરવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજ્ય સરકારના આદેશના પગલે કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખા દ્વારા દર મહિનાની છઠ્ઠી તારીખે અલગ-અલગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવી છે. આજે શહેરના કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલ, ૧૫૦ રીંગ રોડ પર રૈયા ચોકડી નજીક અમૃતા ચિલ્ડ્રન હોસ્પિટલ, કોઠારીયા રોડ પર ગાયત્રી હોસ્પિટલ, કુવાડવા રોડ પર રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ, રેલનગર વિસ્તારમાં ચંદ્રાણી હોસ્પિટલ, સાધુ વાસવાણી રોડ પર શાંતિ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી.

જેમાં આગના સમયે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને કંઇ રીતે સહી-સલામત બહાર કાઢી શકાય આગ લાગે તેવા સમયે નજીકના ફાયર સ્ટેશનથી કેટલીવારમાં ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી જાય છે તે સહિતની બાબતની ચકાસણી કરવામાં આવી હતી. છેલ્લા એકાદ વર્ષથી દર મહિનાની છઠ્ઠી તારીખે સરકારની સૂચના મુજબ હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથધરવામાં આવે છે. જેમાં કોઇ ક્ષતિ જણાયે તો હોસ્પિટલના સંચાલકોને તાકીદ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.