મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને લઈ કર્ફ્યૂ લગાવામાં આવે છે. આ નિયમનું પાલન દરેક લોકોએ કરવાનું હોય છે, ગમે તે માણસ તેનું ઉલ્લંઘન કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે. બોલીવુડના કલાકારો દ્વારા કર્ફ્યૂના નિયમનું ઉલ્લંધન કરવામાં આવ્યું હતું, અને તેની સામે કેસ દર્જ કરવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે બોલીવુડના કલાકારો ટાઇગર શ્રોફ અને દિશા પટાણી વિરુદ્ધ FIR નોંધી છે. તેની પુષ્ટિ કરતાં બાંદ્રા પોલીસ સ્ટેશનના DCP અભિષેક ત્રિમુખેએ જણાવ્યું છે કે,’કોરોના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ આ બંને સામે કેસ નોંધવામાં આવ્યો છે.’
બંને 1 જૂનના રોજ બપોરે 2 વાગ્યે મુંબઈના બેન્ડસ્ટેન્ડમાં કારમાં ફરતાં પકડાયાં હતાં. તેઓ બહાર નીકળવાનું કોઈ ચોક્કસ કારણ આપી શક્યાં નહોતાં, પરંતુ ત્યારે પોલીસે ડોક્યુમેન્ટ્સ ચેક કરીને તેમને છોડી દીધાં હતાં. હવે પોલીસે તમામ પાસાંની તપાસ કર્યા બાદ બંને સામે FIR દાખલ કરી દીધી છે.
મુંબઈ પોલીસના અનુસાર, બંને વિરુદ્ધ કલમ 188 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે આ કેસમાં કોઈ ધરપકડ થઈ નથી, કારણ કે તે જામીનપાત્ર ગુનાની શ્રેણીમાં છે. મહારાષ્ટ્રમાં 15 જૂન સુધી કોરોના કર્ફ્યૂ છે અને બહાર જવાની માત્ર સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી છૂટ છે.
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, જિમ કર્યા બાદ દિશા અને ટાઈગર ડ્રાઈવ પર નીકળ્યાં હતાં. ટાઈગર પાછળ બેઠો હતો, જ્યારે દિશા આગળની સીટ પર હતી. પોલીસે બંનેનાં આધાર કાર્ડ, લાઇસન્સ ચેક કરીને અન્ય ફોર્માલિટી પૂરી કરીને તેમને જવા દીધા હતા.