લોકતંત્રમાં અખબારી આલમ અને મીડિયાને ચોથી જાગીરનું બિરુદ આપવામાં આવ્યું છે. અખબાર અને માધ્યમોની સ્વાયતતા લોકતંત્રને મજબૂત બનાવે છે. વાણી સ્વતંત્ર્તા અને અભિવ્યક્તિનો દરેક નાગરિકને બંધારણનો મુળભૂત અધિકાર છે પરંતુ ઘણીવાર આ અધિકારના માધ્યમથી કોઈ વ્યક્તિનું માન સન્માન ઘવાય તેવા સમાચારો પ્રસિધ્ધ થવાની ઘટનાઓ કાયદાની એરણ પર ચડે છે.
વાણી સ્વતંત્ર્તા અને મુક્ત અભિવ્યક્તિના અધિકાર સામાન્ય લોકોથી માંડી પત્રકાર જગતના જર્નાલીસ્ટ સરકાર કે અન્ય નેતાઓની ટીપ્પણી કરી જનતા સમક્ષ સ્પષ્ટ ચિત્ર મુકવાનું કામ કરે છે પરંતુ ક્યારેક આમાં પણ મુંઝવણ ઉભી થાય છે.
પત્રકાર જો સાચી હકીકત અને વાસ્તવિક ચિત્ર બતાવવા માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે અન્ય બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિઓ વિરુધ્ધ ટીપ્પણી કરે તો તેને યોગ્ય ગણવી કે કેમ તેની ચર્ચાનો નિવેડો લાવી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે પત્રકારો જરૂર પડ્યે સરકાર વિરુધ્ધ તો ઠીક પણ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે અન્ય વિરુધ્ધ પણ હક્કથી યોગ્ય ટીપ્પણી કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં પત્રકાર વિનોદ દુઆના કેસમાં એ સ્પષ્ટતા કરી છે કે, પત્રકારોને લખવાની પાબંદી ન હોવી જોઈએ.
વિનોદ દુઆના કેસની વાત કરીએ તો હિમાચલ પ્રદેશના આ પત્રકારે યુટયુબ ચેનલમાં વડાપ્રધાન મોદી સામે ટીપ્પણી કરતા શીમલામાં રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા સુપ્રીમ કોર્ટે એફઆઈઆર અને કાર્યવાહી રદ કરી વિનોદ દુઆને રાહત આપી હતી.
સુપ્રીમ કોર્ટે 1962ના કેદારનાથસિંહ કેસનો હવાલો આપીને નિર્દોષ જાહેર કર્યા હતા. 1962માં સરકાર અંગેની ટીપ્પણી રાજદ્રોહ નથી તેવું કેદારનાથસિંહ કેસમાં ઠેરવવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી 10 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા કોઈપણ પત્રકાર કે અખબારી નવેસો સામે કેસ કરતા કોઈપણ 10 વાર વિચાર કરશે.