વિશ્વમાં જીવલેણ મનાતા કેન્સરના રોગ સામે રક્ષણ આપે તેવી ભારતીય વિજ્ઞાનીઓએ શોધ કરી છે, જેમાં વિજ્ઞાનીઓએ આ રોગમાં એવી કોશિકાઓનો અંત લાવવા એટલે કે જે કોશિકાઓ ફરી સક્રિય થાય છે તેને નાબૂદ કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે. આમાં બ્લડ કેન્સરના કેટલાક દર્દીઓને કિમોથેરાપી દરમિયાન પણ સમસ્યા ચાલુ રહે છે ત્યારે આવી સમસ્યાનો હલ કરવા વિજ્ઞાનીઓએ સંયોજન થેરાપી (સંયુકત ઉપચાર)ની મદદ લેવા સલાહ આપી છે.
આ અંગે વિજ્ઞાનીઓ જણાવે છે કે રકતવાહિનીના સબસેટ અનિયમિત રીતે વિભાિજત થઈ જવાના કારણે બ્લડ કેન્સર અથવા ક્રોનિક મિલોઈડ લ્યુકેમિયા (સીએમએલ) થઈ જાય છે. તેના પરિણામે બોનમેરો ફેલ થઈ જાય છે. આવા કેન્સરના ઉપચાર માટે ઈમાતિનિબ મેસિલેટ (આઈએમ) નામની દવાનો ઉપયોગ કરવામાં આવે છે. કેન્સરના ઉપચાર અંગે છેલ્લા કેટલાક સમયથી વિજ્ઞાનીઓ રાહ જોઈ રહ્યા છે કે આ દવાની અસર ઓછી થવાના કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે અને તે પૈકી મોટા ભાગના દર્દીઓમાં આવા કેન્સરનું પ્રમાણ વધી જાય છે.
સામાન્ય રીતે ઈમાતિનિબ જ બીસીઆર-એબીએલ (અસામાન્ય પ્રોટીન કે જે ગુણસૂત્રોના સ્તરમાં પરિવર્તનના કારણે પેદા થાય છે) તેને રોકવાનું કામ કરે છે અને તે પ્રોટીન રકતવાહિનીના અનિયમિત પ્રસારને વધારવાનું કામ કરે છે. હવે મોટી માત્રામાં આ દવાની નિષ્ફળતા છતી થઈ રહી છે.
IITના વિજ્ઞાનીઓએ નવો માર્ગ શોધ્યો
ભારતીય ટેક્નોલોજી સંસ્થા (આઈઆઈટી) ગોહાટીના વિજ્ઞાનીઓએ આ સમસ્યાના હલ માટેનો માર્ગ શોધી કાઢ્યો છે. આઈઆઈટી-ગોહાટીના વરિષ્ઠ સંશોધનકાર ડો. બિથિયા ગ્રેસ જગાનાથનના જણાવ્યા અનુસાર અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આવી કેટલીક સમસ્યા માટે કેટલાંક મહત્ત્વનાં કારક જવાબદાર છે, અા કારક કોશિકાઅોથી દૂર હોવા છતાં તેને અસર કરે છે. અાવા કારકનો ઉપયોગ કરી કોશિકાઅોને ખતમ કરી શકાય છે.