ઇ.સ. 1598માં લાહોરથી આગરા જતી વખતે દિલ્હીના સમ્રાટ અકબરે લોકોની વચ્ચે જમીન પર બેસીને જ લંગર આરોગ્યુ અને બાદશાહ અકબર એટલા પ્રભાવિત થયા કે તેમણે ગુરૂ ગોઇંદવાલને જમીનનો ટુકડો ભેટમાં આપી દીધો
પંજાબના તરનતારન જીલ્લામાં સ્થિત શ્રી ગોઇંદવાલ સાહેબ નામક ઉપનગર પ્રાકૃતિક સૌદયથી ભરપુર એક પવિત્ર સ્થાન છે. હિમાચલ પ્રદેશના વિશાળ રોહતાંગ નજીક વિવિધ ઘાટીઓ તથા વિશાળ મેદાનોમાંથી પસાર થતી બિયાસ નદી, ડેરા બિયાસને પાર કરીને શ્રી ગોઇંદવાલ સાહિબ પહોંચે છે. ગોઇંદવાલ સાહિબનું ગુરૂદ્વારા શ્રી બાઉલી સાહેબ આ ક્ષેત્રનું સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્ર છે.
શીખ ધર્મના બીજા ગુરુ અંગદદેવજીના ખડૂર સાહિબમાં વસવાટ બાદ તેના બુઝુર્ગ સેવક અમરદાસજી તેના માટે વિશેષ રૂપે બિયાસ નદીનું જળ પોતાના વૃઘ્ધ ખભ્ભા પર લાવતા હતા. જયારે ગુરુ અંગદદેવજીના ગુરુ અમરદાસજીને ગુરુ ગાદી સોંપી ત્યારે ગુરુ અમરદાસજીએ એ પવિત્ર સ્થાન પર કે જયાંથી તેઓ જળ લાવતી વખતે ગુરુવાણીનો પાઠ કરતા હતા. ગુરુદ્વારા ‘શ્રી બાઉલી સાહેબ’ બનાવીને શ્રી ગોઇંદવાલ સાહેબના પવિત્ર ક્ષેત્રનો વિકાસ કર્યો અને ખુદ તેમણે પણ ત્યાંજ વસવાટ કર્યો.
લંગર પ્રથાની શરૂઆત કેવી રીતે થઇ
ગોઇંદવાલ સાહેબમાં જ ગુરુ સાહેબ દ્વારા લંગરરૂપી મહાન પ્રથાની પરમ્યપરાગત રીતે શરૂઆત કરવામાં આવી જે બાદમાં શીખ ધર્મના એક મહત્વપૂર્ણ સ્તંભના રૂપમાં સ્થાપિત થઇ. આમ તો પ્રાચીન કાળમાં ધાર્મિક સમારોહમાં વિશેષ રીતે સામુહિક ભોજન પ્રસાદના રૂપમાં જ લંગરની પ્રથા વિદ્યમાન હતી, પણ સમયાંતરે સદીઓની ગુલામી તથા સામાજીક મૂલ્યોમાં આવેલા બદલાવને કારણે આ પ્રથા લુપ્ત થઇ ગઇ હતી. ગોઇંદવાલ સાહેબમાં જ સદીઓ બાદ આ પ્રથાને પુન: સ્થાપિત કરાઇ હતી. કોઇપણ જ્ઞાતિ, ધર્મ, લિંગ વગેરે ભેદભાવને ભૂલીને આ પ્રથાને પુન: સ્થાપિત કરવામાં આવી અને આજે આ લંગર પ્રથાને વિશ્ર્વભરમાં અદ્વિતીય માનવામાં આવે છે.
બાદશાહ અકબર પણ અહીં આવ્યા હતા
અહીં ઉલ્લેખનીય છે કે ઇ.સ. 1598 માં લાહોરથી આગરા જતી વખતે દિલ્હીના સમ્રાટ અકબર જયારે ગુરુજીના દર્શન કરવા શ્રીગોઇંદવાલ સાહેબ પધાર્યા તો તેઓના આગ્રહ પર સમ્રાટ અકબરે લોકોની વચ્ચે જમીન પર બેસીને જ લંગર આરોગ્યું અને અકબર એ સમયે લંગરની આ મહાન સેવા ભાવનાથી ખુબ જ પ્રભાવિત થયા, અને તેમણે ગુરુજીને જમીનનો ટુકડો ભેટમાં આપી દીધો અને આત્મિક આનંદનો અનુભવ કર્યો, શ્રી ગોઇંદવાલ સાહેબમાં ગુરુદ્વારા શ્રી બાઉલી સાહેબ સિવાય કેટલાંક અન્ય પ્રસિઘ્ધ ગુરુદ્વારા પણ આવેલા છે. જયાં ગુરુદ્વારા ચૌબારા સાહેબમાં ગુરુ અમરદાસજીનું નિવાસ સ્થાન હતું અને અહીં જ પાંચમા ગુરુ અર્જુન દેવજીનો જન્મ પણ થયો.