રાજકોટ શહેર-જિલ્લામાં 223 કેસ : પોરબંદર અને બોટાદમાં રાહત યથાવત, માત્ર એક-એક કેસ જ
નોંધાયા: રાજ્યમાં કુલ 2410 કેસ નોંધાયા, 2015 દર્દીઓ ડિસ્ચાર્જ થયા : 4.54 લાખ લોકોનું વેકસીનેશન
સૌરાષ્ટ્રમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધાયા છે. આ સાથે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વધુ 12 લોકોને ભરખી પણ ગયો છે. જેથી 72 કલાકમાં કુલ 32ના મોત થયા છે.જેને પગલે તંત્ર પણ ચિંતિત બન્યું છે. હાલ કોરોનાના સંક્રમણને અટકાવવાના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે.
રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2410 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 2015 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 420 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 179 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 44 કેસો નોંધાયા છે. આમ કુલ 223 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 132 અને ગ્રામ્યમાં 29 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 13572 અને જિલ્લામાં 19833 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.
જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 32 અને ગ્રામ્યમાં 24 મળી કુલ 56 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 23 અને ગ્રામ્યમાં 22 મળી 46 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 2107 અને જિલ્લામાં 7994 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 33 અને ગ્રામ્યમાં 10 મળી કુલ 43 કેસ નોંધાયા છે. શહેરમાં 21 અને ગ્રામ્યમાં 4 મળી કુલ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 5503 અને જિલ્લામાં 11118 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢની સ્થિતિ અન્ય જિલ્લાના પ્રમાણમાં સારી છે. અહીં શહેરમાં 8 અને ગ્રામ્યમાં 8 મળી કુલ માત્ર 16 કેસ જ નોંધાયા છે. જ્યારે શહેરમાં 7 અને જિલ્લામાં 6 મળી 13 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 3118 અને જિલ્લામાં 12225 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.
જ્યારે દેવભૂમિ દ્વારકામાં 7 કેસ નોંધાયા છે. 5 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. 2865 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. અને 5093 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 26 કેસ નોંધાયા છે. સામે 14 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 3688 લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 24 કેસ નોંધાયા છે. 16 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 11664 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. 10 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 1673 લોકોને વેકસીન આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ રાજકોટ શહેર અને જિલ્લામાં નોંધાયા છે. અહીં 223 કેસ નોંધાયા છે. સામે પોરબંદર અને બોટાદ જિલ્લામાં રાહત મળી છે. અહીં છેલ્લા 24 કલાકમાં એક-એક કેસ જ નોંધાયા છે. સામે બોટાદમાં 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 2664 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 8407 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે