જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સમેત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.
આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઈનામો પણ રાખવામાં આવે છે.
હિંદુ અવતારવાદ અને ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે. તેઓ વસુદેવ અને દેવકીનાં પુત્ર છે. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં જન્મ, અને પછી તુરંત તેમના પિતા તેમને યમુના (નદી) પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મુકી આવ્યાની કથા જાણીતી છે.