દેશની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા અને વેગવંતી બનાવવા સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે કોઈ ક્ષેત્રની મદદથી દેશની અર્થવ્યવસ્થા સુધરી શકતી હોય તે તમામ મુદ્દે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે જેનાં કારણોસર ૧૬ ડિસેમ્બરથી લોકો નેશનલ ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે એનઈએફટી દિવસનાં ગમે તે સમયે તથા ગમે તે વારનાં રોજ કરી શકશે. પહેલા એનઈએફટી વ્યવહારો સવારનાં ૮ થી સાંજનાં ૭નાં રોજ તથા પ્રથમ અને ત્રીજા શનિવારનાં રોજ કરવામાં આવતા હતા જયારે બીજો અને ચોથો શનિવાર અને રવિવારનાં રોજ આ સેવાનો લાભ દેશવાસીઓ લઈ શકતા ન હતા.
વધુમાં એનઈએફટી વ્યવહાર જાહેર રજાઓમાં પણ અશકય બની ગયું હતું જે હવે નહીં રહે. એનઈએફટી વ્યવહાર સરકાર દ્વારા ૧૯૯૦નાં અંતમાં ઈએફટી મારફતે કરવામાં આવ્યું હતું. ૨૦૧૦ સુધી એનઈએફટી વ્યવહારો સવારનાં ૯ થી સાંજનાં ૫ વાગ્યા સુધી કરવામાં આવતો હતો જયારે પ્રથમ અને ત્રીજા શનિવારનાં રોજ એનઈએફટી વ્યવહાર સવારે ૯ થી બપોરનાં ૧૨ વાગ્યા સુધી જ કરવામાં આવતો હતો પરંતુ સરકારે ૧લી માર્ચ ૨૦૧૦ થી સમયમાં વધારો કરી સમય સવારનાં ૯ થી સાંજનાં ૭ અને સપ્તાહનાં છેલ્લા દિવસમાં સવારે ૯ થી બપોરનાં ૧ વાગ્યા સુધી કરવાનું નકકી કર્યું હતું પરંતુ હવે એનઈએફટી ટ્રાન્ઝેકશન ૩૬૫ દિવસ અને ૨૪ કલાક કરી શકાશે. એનઈએફટી વ્યવહારો લોકો ઓફલાઈન પણ કરી શકશે જેમાં તેઓ તેમની બેંક બ્રાંચમાં જઈ તેઓ તેમનાં નાણાકીય વ્યવહારો પણ કરી શકશે. નવા નિયમો અનુસાર આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એનઈએફટી મારફતે કરવામાં આવેલા નાણાકીય વ્યવહારમાં કોઈ રકમ નિર્ધારીત કરવામાં આવી નથી. જયારે આઈએમપીએસમાં લોકો બે લાખ રૂપિયા પ્રતિ દિવસ ટ્રાન્સફર કરી શકે છે.
એનઈએફટી સુવિધા ૨૪ કલાક માટે અમલી બનતાની સાથે જ પ્રથમ દિવસનાં પ્રથમ ૮ કલાકની જો વાત કરવામાં આવે તો દેશભરમાંથી ૧૧.૪૦ લાખ રૂપિયાનાં નાણાકીય વ્યવહારો થયા હતા. આરબીઆઈ દ્વારા આ યોજના અમલી બનતાની સાથે જ હવે ભારત દેશ ઈલાઈટ કલબ ઓફ ક્ધટ્રીઝની હરોળમાં આવી ગયું છે કે જયાં ૨૪ કલાક તેઓને નાણાની સુવિધા મળી શકે છે. એનઈએફટી ૨૪ કલાક થતાની સાથે જ સવારનાં ૧૨ વાગ્યાથી બીજા દિવસે સવારનાં ૮ વાગ્યા સુધીમાં ૧૧.૪૦ લાખ રૂપિયાનાં નાણાકીય વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે. કયાંકને કયાંક સરકાર ડિજિટલ ઈન્ડિયાને વધુને વધુ પ્રોત્સાહન આપવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રમોટ કરવા માટે એનઈએફટી ૨૪ કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એનઈએફટી ૨૪ કલાક અમલી બનતાની સાથે જ હવે એનઈએફટી કોઈપણ નાણાકીય વ્યવહારો ઉપર ચાર્જ નહીં લાગે તેમ પણ જાણવા મળી રહ્યું છે.