સ્વનિર્ભર શાળાઓએ પોતાની વિપરીત સ્થિતિ અંગે વાલીઓને પરિપત્રથી માહિતગાર કર્યા
વાલીઓને મદદરૂપ થવા સરકારની અપીલથી વર્ષ ૨૦૨૧નો ફી વધારો મોકુફ રાખ્યો છે
સ્વનિર્ભર શાળાઓએ પોતાની વિપરીત પરિસ્થિતિ અંગે દરેક વાલીઓને પરિપત્રથી માહિતગાર કરી યોગ્ય સહકાર આપવા અને વિદ્યાર્થીઓની શિક્ષણ યાત્રાને આગળ ધપાવવા અનુરોધ કર્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે જણાવ્યું છે કે, આજે આ વિપરિત પરિસ્થિતિમાં આપ સૌ વાલીઓ અને શાળાઓના સંકલનથી એકબીજાને હુંફ અને સાથ સહકાર રહ્યો. હવે નવુ સત્ર સરકારના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ ૦૮/૦૬/૨૦૨૦થી શરૂ થઈ ગયું છે. અદ્યતન ટેકનોલોજીને સાંકળીને શ્રેષ્ઠ શકય શિક્ષણની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીની ઉંમરનો ખ્યાલ રાખીને સમગ્ર વ્યવસ્થાઓ નિષ્ણાંત શિક્ષણવિદો અને સોફટવેર અને કમ્પ્યુટરના ક્ષેત્રમાં નૈપુણ્ય ધરાવતા વ્યકિત વિશેષનું માર્ગદર્શન મેળવી સમગ્ર વ્યવસ્થાઓ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા ગોઠવવામાં આવી છે.
લોકડાઉનની પરિસ્થિતિમાં સરકાર સાથેની ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની મિટીંગ થઈ હતી તેમાં જયાં સુધી લોકડાઉનની સ્થિતિ રહે ત્યાં સુધી શાળાઓ ફી ના લે તેવી સંમતિ થઈ હતી. આ સ્થિતિમાં શાળાઓને ત્રણ મહિના સુધી ફી ના આવવા છતાં શાળાઓનો તમામ ખર્ચ, કર્મચારીઓના પગાર, ભાડુ, લોન હપ્તા અને અન્ય રેગ્યુલર ખર્ચના અન્ય બીલ નિભાવ્યા છે. વિદ્યાર્થીઓના હિતમાં આજે પણ શિક્ષકો ઘરે બેસીને કામ કરી રહ્યા છે ત્યારે શાળાની ફી અંગે સ્પષ્ટતા જરૂરી છે તેમ જણાવી મહામંડળે ઉમેર્યું છે કે, ચાલુ વર્ષે એફ.આર.સી. દ્વારા વધારો અપાયેલ હોવા છતાં પ્રવર્તમાન સંજોગોમાં વાલીઓને મદદરૂપ થવા સરકારની અપીલને ધ્યાનમાં લઈ વર્ષ ૨૦૨૦-૨૧માં ફી વધારો મુલતવી રખાયો છે. જે વાલીઓને ૨૦૧૯-૨૦ની ફી ભરવાની બાકી છે એવા વાલીઓ લેખિત અરજી શાળાને કરશે તો આવી અરજી ધ્યાનમાં લઈ આવી આર્થિક મુશ્કેલી અનુભવતા વાલીઓને શાળાઓ દ્વારા જુની ફી ભરવા માટે સરકારની લાગણી અનુસાર નવેમ્બર-૨૦૨૦ સુધીમાં બે હપ્તે ભરવાની સગવડ કરી અપાશે.
જૂન-૨૦૨૦થી દરેક વાલીએ ત્રિમાસિક ફી એફ.આર.સી.ના નિયમો મુજબ ભરવાની રહેશે. આમાં પણ કોઈ પણ વાલીને અગવડ હોય તો શાળામાં અરજી કરીને દર માસની ફી ભરવાની સુવિધા મેળવી શકશે. દરેક શાળાઓએ શાળાના કર્મચારીઓનાં પગાર કરવાના હોઈ તેમજ અન્ય રેગ્યુલર ખર્ચ નિભાવવાના હોઈ, વાલી શાળા પરીવારના સદસ્ય તરીકે આ વાત સમજીને શાળાની ફી રેગ્યુલર ભરો તેવી અપીલ છે. શાળાની ફી અંગે થતા ખોટા અર્થઘટનથી બાળકો સાથે શૈક્ષણિક પરિવારની જેમ કાર્ય કરતા પાયાનાં શિક્ષક કર્મચારીઓ મુશ્કેલી અનુભવે છે અને શાળા આર્થિક મુશ્કેલીમાં મુકાય ત્યારે વાલીઓનો આર્થિક સહયોગ ખુબ જરૂરી છે. હાલની પરિસ્થિતિને કારણે ખરેખર કોઈપણ વાલીના ધંધા-રોજગારની મુશ્કેલી હોય તો વ્યકિતગત શાળાનો સંપર્ક કરીને પ્રશ્ર્ન હલ કરી શકાય. ફીના પ્રશ્ર્નથી કોઈ બાળક શિક્ષણથી વંચિત રહે તે શાળા સંચાલક મંડળને પણ ના જ ગમે તે સ્વાભાવિક છે. જેમને આ પરિસ્થિતિમાં ધંધા રોજગાર ચાલુ છે અને જે-તે કંપનીમાં સર્વિસ રેગ્યુલર છે તે ઝડપથી શાળાને આર્થિક સહયોગ સ્વરૂપે ફી ભરી આપે.
અત્યારે દરેક શાળાઓ સરકારનાં શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ ઓનલાઈન શિક્ષણ કાર્ય કરી રહી છે. તે મુજબ ૩૦/૦૬/૨૦૨૦ સુધીમાં ફી ભરી આગલા વર્ષના પ્રવેશ માટે બાળકનું રજીસ્ટ્રેશન શાળામાં કરાવી લેવું ખુબ જરૂરી છે. હાલ આપનો બાળક જે શાળામાં અભ્યાસ કરે છે એ સિવાયની શાળામાં આપ પ્રવેશ મેળવવા માંગતા હો તો જે તારીખે શાળા છોડવા માટે અરજી કરો તે માસ સુધીની ફી હાલની શાળામાં ભર્યા બાદ જ આપને શાળા છોડયાનું પ્રમાણપત્ર મળી શકશે તેમ જણાવ્યું છે. જયાં સુધી સરકારનો હોમ લર્નીંગનો આદેશ છે ત્યાં સુધી ઓનલાઈન એજયુકેશનના વર્ગો ચાલુ રાખવામાં આવશે. જે બાળકોનું શાળામાં રજીસ્ટ્રેશન ૩૦મી જુન સુધીમાં થશે નહીં તેઓ સ્કુલમાં આગળના વર્ષનો અભ્યાસ ચાલુ રાખવા માગતા નથી તેમ માનીને જુલાઈ મહિનાથી તેઓ ઓનલાઈન એજયુકેશન મળવાપાત્ર રહેશે નહીં તેમ જણાવ્યું છે.
આ પરિસ્થિતિને કારણે શાળામાં બાળકનું રજીસ્ટ્રેશન થયેલું હોવું જરૂરી છે. અન્યથા તેઆ શાળામાં ચાલુ નથી તેવું થઈ શકે. તેથી શાળાની ફી ભરી જવી અથવા શાળાને ફી અંગે યોગ્ય કારણ લેખિતમાં જણાવવું ખુબ જરૂરી છે. સીબીએસઈમાં અભ્યાસ કરતા બાળકોનું એપ્રિલ-૨૦૨૦થી નવુ સત્ર શરૂ થઈ ગયું છે.
તેથી તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તાત્કાલિક કરી અને ત્રિમાસિક અથવા માસિક ફી સમયસર ભરી આપવાની રહેશે તેમ મહામંડળે જણાવ્યું છે.