સોના પરની આયાત શુલ્ક વધતા દાણચોરીમાં ઉછાળો : મુંબઈ એરપોર્ટ પરથી 604 કિગ્રા સોનુ ઝડપાયું
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી માત્ર 11 મહિનામાં રૂ. 360 કરોડની કિંમતનું 604 કિગ્રા દાણચોરી કરાયેલું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દાણચોરીયુક્ત સોના મામલે મુંબઈ દેશનું નંબર 1 એરપોર્ટ બન્યું છે જ્યાં સૌથી મોટી માત્રામાં સોનુ પકડી પાડવામાં આવ્યુ છે. મુંબઈ એરપોર્ટ પરથી પકડવામાં આવેલો જથ્થાએ દિલ્હીને 374 કિગ્રા અને ચેન્નાઈના કસ્ટમ વિભાગે પકડેલા 306 કિલોગ્રામના જથ્થાને પાછળ છોડી દીધું છે. એપ્રિલ 2022 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે મુંબઈ એરપોર્ટ પર જપ્તીમાં 2022-23માં 91 કિગ્રાનો તીવ્ર વધારો છે.સોનાના દાણચોરો માટે મુંબઈ એક ટ્રાન્ઝિટ હબ છે કારણ કે ત્યાં કિંમતી ધાતુનું મોટું બજાર છે. કસ્ટમ અધિકારીઓનું કહેવું છે કે, જ્વેલર્સ સહિત અનેક સિન્ડિકેટ્સ રેકેટીઓને નાણાં પૂરાં પાડે છે.
અન્ય ત્રણ મેટ્રો શહેરો દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ પણ આંતરરાષ્ટ્રીય રૂટ માટે પસંદ કરવામાં આવે છે. હૈદરાબાદમાં સોનાની દાણચોરીના કેસોમાં પણ ધીમો વધારો જોવા મળ્યો છે અને ગયા વર્ષે 55 કિલોગ્રામની સરખામણીમાં ચાલુ વર્ષે 124 કિલોગ્રામ સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું.મહામારી પહેલા વર્ષ 2019-20માં, દિલ્હી એરપોર્ટ પર 494 કિગ્રા, મુંબઈ 403 કિગ્રા અને ચેન્નાઈ એરપોર્ટ પરથી 392 કિગ્રા સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. 2020-21 દરમિયાન જ્યારે સોનાની દાણચોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
ત્યારે ચેન્નાઈ એરપોર્ટ પર 150કિગ્રા, કોઝિકોડ ખાતે 146.9 કિગ્રા, દિલ્હીમાં 88.4 કિગ્રા અને મુંબઈ ખાતે 87 કિગ્રા દાણચોરી સાથે સંકળાયેલા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.ઓક્ટોબર 2022 થી મુંબઈમાં સોનાની દાણચોરી માટે 20 થી વધુ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.10 ફેબ્રુઆરીના રોજ કસ્ટમ અધિકારીઓએ શહેરના એરપોર્ટ પર રૂ. 9 કરોડના મૂલ્યના 18 કિલો સોનાની દાણચોરીમાં મદદ કરવા અને પ્રોત્સાહન આપવા બદલ આંતરરાષ્ટ્રીય એરલાઇનના ક્રૂ મેમ્બર સહિત બે કેન્યાના નાગરિકોની ધરપકડ કરી હતી.
શહેરના એરપોર્ટ પર આ વર્ષે અત્યાર સુધીની સૌથી મોટી જપ્તીમાંની એક 23 જાન્યુઆરીએ થઇ હતી જ્યારે ડીઆરઆઈએ કાલબાદેવી જ્વેલર પાસેથી રૂ. 2.3 કરોડની રોકડ સાથે રૂ. 22 કરોડની કિંમતનું 37 કિલો સોનું જપ્ત કર્યું હતું જેણે મશીન રોટરના ક્ધસાઇનમેન્ટમાં ધાતુ છુપાવી હતી.ગયા નવેમ્બરમાં એરપોર્ટ પર રૂ. 28 કરોડની કિંમતના 53 કિલો સોનાની દાણચોરીની તપાસ કરી રહેલા એર ઇન્ટેલિજન્સ યુનિટે નિરજ કુમાર નામના શખ્સની ધરપકડ કરી હતી.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર આયાત ડ્યુટી 7.5% થી વધીને 12.5% થવાને કારણે ભારતમાં 2022માં કિંમતી ધાતુની દાણચોરી 33% વધીને 160 ટનને સ્પર્શી ગઈ છે. વધારાના 3% જીએસટી સાથે ગ્રાહકો શુદ્ધ સોના પર 18.45% ટેક્સ ચૂકવે છે. આ ઉપરાંત સોનાના ભાવ રૂ. 60,000 પ્રતિ 10 ગ્રામને વટાવી જતાં, સોનાની દાણચોરીમાંથી “નફો” 15% થી વધીને 20% થયો છે, તેવું અધિકારીઓ કહે છે. ભારત હવે પુરૂષોને 20 ગ્રામ અને મહિલાઓને 40 ગ્રામ સોનું કાયદેસર રીતે લાવવાની મંજૂરી આપે છે.