પેટ્રોલ-ડીઝલના ભળકે બળતા ભાવે માત્ર લોકોને જ નહિ પરંતુ સરકારને પણ ચિંતિત કરી મૂકી છે. પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ અંકુશમાં લેવા સરકાર માટે મોટો પડકાર ઉભો થયો છે. ઘણાં શહેરોમાં તો પેટ્રોલનો ભાવ સોને પાર થઈ ગયો છે. આ ભાવ વધારાનું મૂળ અગાઉની મનમોહનસિંઘની યુપીએ સરકાર હોવાનું નાણાંમંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું. ઈંધણની કિંમતમાં તોતિંગ વધારો વધારાનું ઠીકરું નાણામંત્રીએ વિપક્ષ પર ફોડી જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી સરકાર એટલા માટે ઘટાડી નથી શકી કારણકે યુપીએ સરકાર દ્વારા લેવાયેલા બોન્ડના બોજાનું વ્યાજ આજે મોદી સરકારે ભરવું પડી રહ્યું છે  આથી એક્સાઇઝ ડ્યુટી સરકાર ઘટાડે તો વધુ બોજો ઉભો થઈ શકે તેમ છે. આમ કરવું સરકાર માટે મુશ્કેલ બન્યું છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારામનના આ નિવેદનનો વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. સરકાર સામે મોરચો માંડીને બેઠા છે. જો વિશ્લેષણ દ્વારા હકકિત આંકીએ તો, આ બાબતે નાણામંત્રીનું ગણિત ખોટું પડ્યું છે. અગાઉની મનમોહનસિંઘની યુપીએ સરકાર દ્વારા પેટ્રોલિયમ કંપનીઓને ભાવનું સંતુલન રાખવા માટે બોન્ડ આપ્યા હતા. આનાથી યુપીએ સરકારે માર્કેટમાંથી કુલ 6.93 લાખ કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. જેનું વર્ષ 2014થી દર વર્ષે વ્યાજ રૂપિયા 10 હજાર કરોડ મોદી સરકાર ચૂકવી રહી છે.

વર્ષ 2014થી મોદી સરકાર ઓઈલ બોન્ડ ઉપર પૈસા ચુકવી રહી છે. જો કે 6.93 લાખ કરોડ રૂપિયાના ભંડોળ સામે રૂપિયા 10 હજાર કરોડનું ભારણ નજીવું ગણાય. કારણ કે આ બોન્ડના વ્યાજનો ખર્ચ માત્ર 9990 કરોડ એટલે કે લગભગ રૂપિયા 10 હજાર કરોડ છે. જ્યારે તેની સામે વર્ષે સરકારને પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાંથી આશરે અધધ… 3.35 લાખ કરોડ રૂપિયા આવક થાય છે. જો આ ગણતરી દર એક લીટર પેટ્રોલ પર કરીએ તો હાલ સરેરાશ એક લીટર પેટ્રોલની કિંમત રૂપિયા 100 છે. જેની સામે આ બોન્ડના વ્યાજનો બોજો એક રૂપિયો છે. ત્યારે આ 100 રૂપિયા માંથી સરકાર 32 રૂપિયા મેળવે છે.

વર્ષ 2020-21ની વાત કરીએ તો,  આ એક વર્ષ દરમિયાન પેટ્રોલ ડીઝલનો વપરાશ 11,067 કરોડ લિતરથી પણ વધુ થયો હતો. અને આ દરમિયાન ઓઈલ બોન્ડનું વ્યાજ કુલ રૂપિયા 9,990 કરોડ ચૂકવાયું છે. અને 1 લિટરે તે એક રૂપિયો છે. વર્ષ  2010 સુધી પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે ઓછો સંબંધ ધરાવતી હતી. સરકાર કૃત્રિમ રીતે કિંમતોને નિયંત્રિત કરવા લાગી. પરિણામ એ આવ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇંધણનું વેચાણ કરવા કરતાં ઘણી વધારે કિંમતે ખરીદી કરી રહી હતી, જેના કારણે “અન્ડર-રિકવરી” થવા લાગી. કેન્દ્રીય બજેટમાં ફાળવવામાં આવેલી ઇંધણ સબસિડી દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સરકાર દ્વારા વળતર આપવામાં આવ્યું હતું.

વર્ષ 2003માં અમેરિકા-ઇરાક વચ્ચે અણબણ બાદ જ્યારે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ વધવા લાગ્યા, ત્યારે મનમોહન સિંઘની આગેવાની હેઠળની યુપીએ સરકારે ગ્રાહકો પર બોજો ન નાખવાનો નિર્ણય કર્યો અને છૂટક ભાવ નીચા રાખ્યા. પછીના વર્ષોમાં ક્રૂડની કિંમતો સતત વધી રહી છે. ઓઇલ કંપનીઓને રોકડથી વળતર આપવાને બદલે, સરકારે લાંબા ગાળાના ‘ઓઇલ બોન્ડ્સ’ જારી કરીને તેને એક પ્રકારની લોનમાં ફેરવવાનું નક્કી કર્યું.

આ બોન્ડ્સ વાર્ષિક વ્યાજ દર અને મુખ્ય રકમની ચુકવણી માટેનું સમયપત્રક  છે. ઓઇલ બોન્ડ અંદાજપત્રીય ખર્ચ તરીકે દર્શાવ્યા ન હતા અને ચુકવણીની જવાબદારી ભવિષ્ય તરફ ધકેલી દેવામાં આવી હતી. આથી બોન્ડના વ્યાજ આજે પણ બોજો રૂપ બન્યા છે. પણ આજના સમયે ઈંધણના ભાવ જે સો રૂપિયા કરતાં પણ વધ્યા છે તે માટે સંપૂર્ણપણે યુપીએ સરકારના બોન્ડને જવાબદાર ન ગણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.