નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા વીજળી અને ઇંધણની માંગ, માલ-સામાનની આંતર જિલ્લા ગતીવિધિઓ સહિતના મુદ્દે રોડમેપ
મહામારી વચ્ચે માંદગીના બિછાને પડેલા ઉધોગોની ગાડી પાટે ચડાવવા માટે થોડાક મહિના પહેલા વડાપ્રધાન મોદીની સરકારે રૂા.૨૦ લાખ કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારામને ધીમી ગતિએ યોજનાની અમલવારી કરવાનું શરૂ કર્યું હતું. આ બુસ્ટર ડોઝનાં કારણે અર્થતંત્ર ધબકી રહ્યું છે ત્યારે હવે ફરીથી નાણાપ્રધાન નિર્મલા સીતારામને અર્થતંત્રને તંદુરસ્ત બનાવવા બુસ્ટર ડોઝનો રોડ મેપ તૈયાર કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલી પોલીસીના અનુસંધાને નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતોનાં પાયામાં ખેતી, ઉર્જા અને રીટેલ ફાયનાન્સર સેકટર હતા. અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા રૂા.૨૦ લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યા બાદ હવે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા નવી પોલીસી ઘડી કાઢવામાં આવી છે જેમાં ખેતી ક્ષેત્રને હરોળનું ક્ષેત્ર રાખવામાં આવશે. અર્થતંત્રને વેગવાન બનાવવા માટે વિજળી-ઈંધણની માંગ, આંતર જીલ્લા મૂવમેન્ટ અને ફાયનાન્સીયલ લેવડ-દેવડને કેન્દ્રમાં રાખવામાં આવશે.
નોંધનીય છે કે, દેશનાં અર્થતંત્રમાં ખેતીનો ફાળો ખુબ જ મોટો રહ્યો છે. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી દેશનું અર્થતંત્ર ખેતી આધારીત રહ્યું છે. દેશનાં અર્થતંત્રમાં ૬૫ ટકા ફાળો ખેતીનો રહ્યો છે ત્યારે ખેતી થકી વિકાસ સાધવા માટે સરકારે રોડ મેપ તૈયાર કર્યો હતો જેના માટે મહત્વની જાહેરાત નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવી હતી.
નિર્મલા સીતારામને થોડા સમય પહેલા જ કહ્યું હતું કે, દેશનું કૃષિ સેકટર અર્થતંત્રનાં વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી રહ્યું છે જો ઈકોનોમીને બુસ્ટર ડોઝ આપવા માટે સરકાર કોઈપણ પગલા ભરવામાં શરમ અનુભવશે નહીં. એગ્રીકલ્ચર સેકટર અત્યાર સુધી દેશનાં
પાયામાં રહ્યું છે ત્યારે આગામી સમયમાં પણ વિજ માંગ, ઈંધણની માંગ, વપરાશ, આંતર રાજય ગતિવિધિઓને પાયામાં રાખવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, મહામારીનાં કારણે મુશ્કેલીમાં મુકાયેલા ઉધોગોને ફરીથી બેઠા કરવા માટે સરકારે ઉંધે કાંધ પ્રયાસો કર્યા હતા જેના મીઠા ફળ પણ મળ્યા હતા. અલબત આ પ્રયાસો દરમિયાન સરકારે આત્મનિર્ભર ભારત માટેનું આહવાન કર્યું હતું જેમાં દેશમાં જ વસ્તુઓનું ઉત્પાદન થાય તે સુનિશ્ર્ચિત કરવાનું હતું.
ચીન સહિતનાં વિદેશી વસ્તુઓનાં કારણે દેશી વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે ત્યારે ઈકોનોમીને જો ફરીથી સરકારનો બુસ્ટર ડોઝ મળી જાય તો દેશનાં અર્થતંત્ર માટે ખુબ સરળ ચઢાણ બની શકે છે. આજે વૈશ્ર્વિક અર્થતંત્ર તકલીફમાં મુકાયું છે.