નબળી પરિસ્થિતિ છતાં પણ જીએસટીમાં જુન માસમાં ૯૦ હજાર કરોડ એકત્રિત કરાયા
વૈશ્ર્વિક મહામારીનાં સમયમાં જે રીતે ઉધોગોએ કામગીરી કરી છે તેને જોતા વિદેશી બજારમાં ટકી રહેવા માટે સરકાર જીએસટીનાં દ્વાર ઉધોગકારો માટે ખોલી નાખવાનો નાણામંત્રીએ આદેશ કર્યો છે. બીજી તરફ જીએસટીની અમલવારી થતાની સાથે જ ઘણીખરી અડચણો, કલેઈમ જેવા પ્રશ્ર્નો થકી ઉધોગકારો નાસીપાસ થઈ જતા હતા ત્યારે આ તમામ મુદાઓને પૂર્ણ કરવા અને જીએસટીનાં લાભાલાભ ઉધોગકારોને મળતા રહે અને સ્વનિર્ભર બને તે માટે જીએસટીમાં અનેકવિધ સુધારા કરવાનું પણ નાણામંત્રીએ સુચવ્યું છે. જીએસટી દિવસ તરીકે નાણામંત્રી નિર્મલા સીતારામને જીએસટી અધિકારીઓને તાકિદ કરતા જણાવ્યું છે કે, જે સ્થાનિક ઉધોગકારો છે અને જે વિકાસ કરતા ઉધોગો છે તેને કયાં પ્રકારનાં લાભો અને કેવી રીતે આપી શકાય જેથી દેશની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે અને ઉધોગકારો તેમના ઉધોગોને પણ વિકસિત કરી શકે. આ તમામ મુદાઓ પર હાલ જીએસટી અધિકારીઓએ ધ્યાન કેન્દ્રીત કરવા માટે જણાવ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીનું જે આત્મનિર્ભર ભારત સ્વપ્ન છે તેને પૂર્ણ કરવા માટે જીએસટી ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જયારે આવનારા સમયમાં ઉધોગકારોને જે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી તેને કઈ રીતે બાકાત રાખી શકાય તે જાણવું પણ એટલું જ જરૂરી છે. આવનારો સમય દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે મહત્વપૂર્ણ છે જેમાં ઉધોગપતિઓ અત્યંત મદદરૂપ અને કારગત નિવડશે. સાથોસાથ નાણામંત્રીનાં માનવા મુજબ આવનારા સમયમાં કરદાતાઓને કરમાળખામાં પણ ઘણોખરો સુધારો જોવા મળશે જેનું કારણ એ છે કે હાલ જે જીએસટીમાં કરમાળખુ જોવા મળી રહ્યું છે તેનાથી ઉધોગપતિઓ અને ઉધોગ જગતમાં અશાંતીનો માહોલ પણ જોવા મળ્યો છે પરંતુ હાલ જે રીતે જીએસટી કામગીરી કરી રહ્યું છે તેનાથી ઉધોગકારોને જીએેસટી પરનાં વિશ્ર્વાસમાં પણ વધારો જોવા મળે છે.
વૈશ્ર્વિક મહામારી કોરોનાનાં પગલે જયારે લોકડાઉન જોવા મળ્યું હતું તે સમયમાં પણ અને નબળી સ્થિતિ હોવા છતાં જીએસટીમાં જુન માસમાં કુલ ૯૦ હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે જે દર માસ એક લાખ કરોડને પાર પહોંચે છે. આ આંકડાથી એ વાતની સ્પષ્ટતા થાય છે કે, ગત માસની સરખામણીમાં જે જીએસટીની આવકમાં ઘટ જોવા મળી છે છતાં ૯૦ હજાર કરોડે પહોંચતા એ વાત સ્પષ્ટ છે કે, ઉધોગોની સ્થિતિમાં નજીવો બદલાવ આવ્યો છે તો જ ૯૦ હજાર કરોડ રૂપિયા જીએસટી પેટે એકત્રિત થઈ શકે છે. બીજી તરફ સ્થાનિક જીએસટીની આવકમાં પણ ૯ ટકાનો વધારો જોવા મળ્યો છે જે ગત વર્ષની સરખામણીમાં ખુબ જ વધુ છે. નાણા સચિવ અભય ભુષણ પાંડેનાં જણાવ્યા મુજબ જીએસટી પૂર્વે ૬૦ લાખ એન્ટ્રી વેટ, સર્વિસ ટેકસ અને અન્ય ટેકસમાં જોવા મળી હતી પરંતુ જીએસટી અમલી બનતાની સાથે જ હાલ ૧.૨ કરોડ કરદાતાઓ નોંધાયા છે જેમાંથી ૯૦ લાખ લોકો જીએસટીઆર-૩બી કે જે ફાઈલ રીટર્ન કરવા માટેના ફોર્મ ભરી રહ્યા છે.
ગત ૩ વર્ષમાં ૪૬ કરોડ રૂપિયાનાં રીફંડ ભરાયા છે જેની સામે ૨૫ લાખ કરોડ રૂપિયાની આવક જીએસટી કરપેટે દેશને મળી છે. નાણાસચિવ અભય ભુષણ પાંડેનાં જણાવ્યા મુજબ હાલ ૨૨ લાખ રીટર્ન પ્રતિ દિવસની ક્ષમતા સામે આવી છે જેની સામે પ્રતિ દિવસ ૧૫થી ૨૦ લાખ ઈ-વે બીલ પણ જનરેટ કરવામાં આવે છે. હાલની સ્થિતિને જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, ઉધોગોને વૈશ્ર્વિક બજારમાં ટકવા માટે નાણા મંત્રાલય જીએસટીમાં જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી કેવી રીતે બાકાત કરી શકાય તે સ્થિતિમાં હાલ કામગીરી હાથ ધરાઈ રહી છે.