રાજકોષિય ખાધને અંકુશમાં રાખીને વિકાસની ગાડીને જેટ ગતિ આપતું બજેટ
જીડીપીના 5.9%ના દરે રાજકોષિય ખાધ રહેવાનો અંદાજ, માળખાગત સુવિધા પાછળ 10 લાખ કરોડ ખર્ચાશે
નાણામંત્રી નિર્મલા સિતારમને સંસદમાં આજે વર્ષ 2023-24નું બજેટ કર્યું રજૂ હતું. આ બજેટ રાજકોશિય ખાધને અંકુશમાં રાખીને વિકાસની ગાડીને વેગ આપશે અને આગામી 100 વર્ષનો રોડ મેપ તૈયાર કરનાર છે.
નાણામંત્રીએ પોતાના બજેટ સંબોધનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોરચે મોટી જાહેરાતો કરી છે. નાણાપ્રધાને બજેટ 2023ને અમૃતકાળનું પહેલું બજેટ લેખાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, વિભિન્ન પ્રકારના પડકારો છતાં પણ ભારતની ઈકોનોમી સાચા માર્ગે આગળ ધપી રહી છે.
તેમણે કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ખર્ચ વધારીને 10 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મૂડી રોકાણ 33 ટકા વધીને 10 લાખ કરોડ રૂપિયા થશે. સરકારે રેલવે ક્ષેત્ર માટે રૂ. 2.40 લાખ કરોડનો મૂડી ખર્ચ પૂરો પાડ્યો છે. જે 2013-14ના બજેટ કરતાં નવ ગણું વધુ છે. રસ્તાઓ અને ધોરીમાર્ગો, રેલ્વે, આવાસ અને શહેરી કાર્યો જેવી માળખાકીય સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવાથી મૂડી ખર્ચમાં વધારો થયો છે. તેઓ દેશના આર્થિક વિકાસને સીધી અસર કરે છે.
અગાઉના દિવસે આર્થિક સર્વેક્ષણમાં, સરકારે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મહેસૂલ ખર્ચની જરૂરિયાત ખૂબ વધારે હોવા છતાં, કેન્દ્ર સરકાર દ્વારા મૂડી ખર્ચ (કેપેક્સ) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ લાંબા ગાળાની વાર્ષિક સરેરાશ (નાણાકીય વર્ષ 2009 થી નાણાકીય વર્ષ 2020 સુધી) જીડીપીના 1.7 ટકાથી નાણાકીય વર્ષ 2022માં જીડીપીના 2.5 ટકા સુધી સતત વધારો થયો છે.
સરકારે અપનાવેલા સપ્તઋષિના 7 સૂત્રો
નાણાપ્રધાન નિર્મલા સિતારમણે પોતાના બજેટ ભાષણની શરૂઆતમાં બજેટ 2023ની સાત મહત્ત્વની પ્રાથમિક્તાઓ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24નું કેન્દ્રીય બજેટ સાત પ્રાથમિક્તાઓ પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે, સપ્તઋષિ આપણને અમૃતકાળ માટે ગાઈડ કરી રહ્યા છે.