- રાજ્યના નાગરિકોને સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક અપાવવાની રાજ્ય સરકારની નેમ : નાણાં મંત્રી કનુ દેસાઈ
- રાજ્યના જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થતાં વર્ષ 2025-26માં રાજ્યનું જાહેર દેવુ 15.28ટકા થવાનો અંદાજ, જે 27.10 ટકાની નિયત મર્યાદા કરતાં ધણું ઓછું: નાણાં મંત્રી
- પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રાજ્યમાં આશરે 1.92 કરોડ ખાતા ખોલવામાં આવ્યાં, રાજ્યભરમાં 1.44 કરોડ રૂ-પે કાર્ડ ઇસ્યૂ કરાયાં
- 15મી ફેબ્રુઆરી, 2025 સુધીમાં રાજ્યના કુલ 3.63 કરોડ રેશનકાર્ડ ધારકોનું આધાર e-KYC કરાયું છે
- રાજ્ય સરકારને 100 રૂપિયાની મહેસૂલી આવક મેળવવામાં માત્ર 3 પૈસાનો ખર્ચ થાય છે, જે વહીવટી કુશળતાની નિશાની છે
- રાજ્યમાં કરદાતાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો, કુલ 12,46,581 કરદાતા નોંધાયા
- કેન્સરના સારવારની જીન થેરપીને વેરા મુકત કરાયો: કેન્સરની દવાઓ પર વેરાનો દર 12 ઘટાડી 5 ટકા કરાયો
- જીએસટી રિટર્ન ફાઇલિંગ અને ઇ-વે બિલ ચકાસણીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને
વિધાનસભા ગૃહ ખાતે નાણાવિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરાઈ
રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં વર્ષ 2025-26 માટેની નાણાં વિભાગની અંદાજપત્રીય માગણીઓ રજૂ કરતાં નાણાં મંત્રી દેસાઈએ જણાવ્યું કે રાજ્યનો નાણાં વિભાગ રાજવિત્તીય અધિનિયમ, 2005ના નિયત માપદંડો મુજબ નાણાકીય વ્યવસ્થાપન માટે શિસ્તબદ્ધ રીતે કાર્યરત્ છે. આ માટેના નિયત માપદંડોને અનુસરીને રાજ્યની મહેસૂલી ખાધ ક્રમશઃ નાબૂદ કરીને સુદૃઢ રાજવિત્તીય વ્યવસ્થાતંત્ર અને રાજવિત્તીય સ્થિરતા સુનિશ્ચિત કરવામાં સફળ રહી છે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
નાણાં મંત્રીએ કહ્યું કે દેશના જીડીપીમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતું ગુજરાત સૌથી ઝડપથી વિકસતાં રાજ્યોના અર્થતંત્રોમાંનું એક છે. બે દાયકા અગાઉ તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે. ત્યારે રાજ્યના નાગરિકોને સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક (Living Well & Earning Well) મેળવવાની સાથેસાથે ગુજરાતને એક વિકસિત રાજ્ય બનાવવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિઝન છે અને રાજ્ય સરકાર સતત આ દિશામાં પ્રયત્નશીલ છે.
રાજ્યના જાહેર દેવા વિશે વાત કરતાં મંત્રીએ કહ્યું કે રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદન-GSDPની સામે જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે અને વર્ષ 2025-26માં જાહેર દેવુ 15.28 ટકા રહેવાનો અંદાજ સૂચવવામાં આવ્યો છે. જે 27.10 ટકાની નિયત મર્યાદા કરતાં ધણું જ ઓછું છે.
દેસાઈએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને મૂડી રોકાણના પ્રોજેક્ટ્સ માટે 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોનના સ્વરૂપમાં રાજ્યોને નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત ચાલું નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ગુજરાતને રૂ.5027 કરોડની સહાય આપવામાં આવી છે. જેના પરિણામે જાહેર દેવા પર વ્યાજની ચૂકવણીના સરેરાશ ખર્ચમાં ઘટાડો નોંધાયો છે.
રાજ્યના એકંદર ધરગથ્થુ ઉત્પાદન તથા આવકના વધારાની છેલ્લાં 10 વર્ષની સાપેક્ષ વિગતો આપતાં મંત્રીએ કહ્યું કે રાજ્યમાં નાણાકીય વર્ષ 2014-15માં જાહેર દેવા પર વ્યાજની ચૂકવણીનો સરેરાશ ખર્ચનો દર 8.87 ટકા જેટલો હતો. જે નાણાકીય વર્ષ 2024-25ના સુધારેલા અંદાજમાં 7.36 ટકા જેટલો થવાનો અંદાજ છે. આમ, એકંદર ધરગથ્થુ ઉત્પાદન તથા આવકના વધારાના સાપેક્ષમાં જાહેર દેવાનો દર ઘટ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યના નાણાં વિભાગની નાણાકીય શિસ્ત તથા કાર્યક્ષમતા વિશે વાત કરતાં દેસાઈએ કહ્યું કે રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન-GSDPના પ્રમાણમાં રાજવિત્તીય ખાધ – Fiscal Deficitનું પ્રમાણ વર્ષ 2024-25ના સુધારેલા અંદાજોમાં નિયત મર્યાદા 3 ટકા સામે 1.89 ટકા જેટલું નીચું, જ્યારે વર્ષ 2025-26 ના અંદાજ મુજબ 1.96 ટકા જેટલું અંદાજવામાં આવ્યું છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના ફેબ્રુઆરી 2025 ના રિપોર્ટ મુજબ રાજ્યોના નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આપવામાં આવતી સહાય વિશે માહિતી આપતાં દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2024-25માં ફેબ્રુઆરી, 2025 સુધી રાજ્યમાં લાભાર્થીલક્ષી 417 અલગ અલગ યોજનાઓ અંતર્ગત ડીબીટીના માધ્યમથી સહાય આપવામાં આવી છે. તદુપરાંત, વર્ષ દરમિયાન કુલ 09 નવી લાભાર્થીલક્ષી યોજનાઓને ડીબીટી પોર્ટલ પર ઉમેરવામાં આવી છે.
વધુમાં, પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રાજ્યમાં આશરે 1.92 કરોડ ખાતા ખોલવામાં આવ્યાં છે તેમજ 1.44 કરોડ રૂ-પે કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ૫૪ હજાર દાવાઓની ચૂકવણી કરવામાં આવી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજય સરકારની લાભાર્થીલક્ષી યોજનાઓમાં Biometric Aadhaar Authenticationને અમલીકૃત કરવાના ભાગરૂપે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ તા. 15 ફેબ્રુઆરી, 2025 સુધીમાં કુલ 3.63 કરોડ રેશનકાર્ડ ધારકોનું (NFSA & Non-NFSA) Aadhar આધારિત e-KYC કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત GYAN-ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ ઉપર વર્ષ 2025-26ના અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઈઓ વિશે માહિતી આપતાં નાણાં મંત્રીએ જણાવ્યું કે ગત નાણાકીય વર્ષની સામે આગામી વર્ષે અનેક વિભાગોની બજેટ જોગવાઇઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
જે મુજબ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં 42.50 ટકા, શહેરી વિકાસની જોગવાઇઓમાં 40 ટકા, ગ્રામ વિકાસ ક્ષેત્રમાં 30.50 ટકા, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગમાં 16.35 ટકા, પ્રવાસન ક્ષેત્રમાં 30.98 ટકા, ગૃહ વિભાગમાં 21.98 ટકા, જ્યારે વન અને પર્યાવરણ વિભાગમાં 21.41 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે તેમ દેસાઈએ ઉમેર્યું હતું.
નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે પણ વિકસિત ગુજરાત @2047નો રોડ મેપ તૈયાર કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આગામી પાંચ વર્ષ માટે રૂ. 50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સૂચવવામાં આવ્યું છે. જે માટે આ વર્ષે રૂ.5000 કરોડની ફાળવણી કરી છે. આ ફંડમાં વિવિધ સ્પેશિયલ ઇકોનોમિક્સ રિજન તથા લોંગ ટર્મ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ જેવા કે હાઇસ્પીડ કોરિડોર, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠા, ઓદ્યોગિક વિકાસ, પ્રવાસન, લોજિસ્ટિક પાર્ક, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવી વિકાસલક્ષી બાબતો માટે જોગવાઈ રાખવામાં આવી છે.
રાજ્યના કરમાળખા વિશે વાત કરતાં મંત્રીએ કહ્યું કે નાણાં વિભાગ હસ્તકની રાજ્યવેરા કચેરી દ્વારા જી.એસ.ટી., વેટ, ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી અને પ્રોફેશનલ ટેક્સના અમલીકરણની અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
જે મુજબ, વર્ષ 2024-25માં આ કાયદાઓ હેઠળ ફેબ્રુઆરી-2025 સુધીમાં આશરે રૂ. 1 લાખ 1 હજાર કરોડની આવક થઈ છે. જેની સાપેક્ષે રાજ્યવેરા કચેરીનો ખર્ચ માત્ર રૂ. 320 કરોડ થયો છે. આમ, આ આવક સામે થયેલા ખર્ચનો રેશિયો જોતા રાજ્ય સરકારને 100 રૂપિયાની આવક મેળવવામાં માત્ર 3 પૈસાનો ખર્ચ થાય છે. જે નાણાં વિભાગની અને રાજ્યવેરા ખાતાની વહીવટી કુશળતા દર્શાવે છે.
નાણાં મંત્રીએ કહ્યું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને ચરિતાર્થ કરવા ગુજરાત ફેસલેસ અને પારદર્શક સેવા આપવા પ્રતિબધ્ધ છે. રાજ્યવેરા કચેરી હેઠળની મોટાભાગની કામગીરી ફેસલેસ કરાઈ છે. જેમાં નવી નોંધણી, નોંધણીમાં સુધારા-વધારા, રિફંડ માટેની અરજી, માસિક કે વાર્ષિક પત્રકો ભરવા જેવી તમામ કામગીરી ઓનલાઇન કરાઈ છે.
વધુમાં, તેમણે જણાવ્યું કે GST કચેરીમાં આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી સ્ક્રૂટિની, ઑડિટ અને અન્વેષણ જેવી કામગીરીની પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો થયો છે. આધુનિક ટેકનોલોજી જેવી કે GSTN સિસ્ટમ, ઇ-વે બિલ અંગેની NIC સિસ્ટમ, જીએસટી એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્ટ નેટવર્ક વગેરે સોફટવેરનો ઉપયોગ કરી State Tax Execution Monitoring Module પોર્ટલ પર સ્ક્રૂટિની, ઓડિટ અને અન્વેષણ માટેની સચોટ કામગીરી થાય છે.
ગુજરાત રાજ્યનાં અગત્યનાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ તેમજ સ્ટ્રેટેજિક લોકેશન પર મોબાઇલ સ્કવૉડની ટીમની અસરકારક કામગીરીથી સમગ્ર દેશમાં ગુજરાત ઇ-વે બિલ ચકાસણીમાં પ્રથમ ક્રમે છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
નાણા મંત્રીએ જણાવ્યું કે GSTના અસરકારક અમલીકરણ અને સરળ, ઝડપી કામગીરીને કારણે ટેક્સ બેઝ વધ્યો છે. જૂન, 2017માં GSTની અમલવારી થઇ તે સમયે રાજ્યમાં કરદાતાઓની સંખ્યામાં 145 ટકાથી વધુનો વધારો થવાથી હવે 12,46,581 કરદાતા નોંધાયા છે.
વેપારીને GST રજિસ્ટ્રેશન મેળવવામાં સરળતા રહે તેમજ બોગસ રજિસ્ટ્રેશનની પ્રવૃત્તિને અટકવાના હેતુથી બાયોમેટ્રીક પદ્ધતિથી વેરિફિકેશન કરીને રજિસ્ટ્રેશન આપવા માટે માત્ર ૭૫ દિવસમાં સમગ્ર રાજયમાં આધુનિક કક્ષાના 12 GST સેવા કેન્દ્રો ઊભા કરાયાં છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું કે ગુજરાતના કરદાતાઓની શિસ્તબદ્ધતા અને વિભાગના સહિયારા પ્રયાસોથી ચાલુ વર્ષે જીએસટી હેઠળ 15 ટકા ગ્રોથરેટથી રાજ્યની આવકમાં વૃદ્ધિ થઇ છે. જીએસટી હેઠળ ફેબ્રુઆરી-2025 સુધીમાં રૂ. 67,079 કરોડની આવક થઈ છે.
GST રિટર્ન ફાઇલિંગમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. નાણાકીય વર્ષ 2023-24માં નોંધાયેલા કરદાતાઓ પૈકી 99.6 ટકા કરદાતાઓએ GST રિટર્ન ફાઇલ કર્યું છે. તાજેતરમાં GST કાઉન્સિલ સેક્રેટરિયેટ દ્વારા જુદા જુદા પરફોર્મન્સ પેરામીટરને રેન્કીંગમાં વિવિધ નવ જાતના પરફોર્મન્સ પેરામીટરમાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
GST કાઉન્સિલ દ્વારા GST કાયદા હેઠળ આપવામાં આવેલી મુખ્ય રાહતો વિશે નાણાં મંત્રીએ કહ્યું કે કેન્સરના દર્દીઓનો બોજો હળવો કરવા માટે જીન થેરપી પરનો GSTનો દર 12 ટકા હતો. જેને વેરામુકત કરાયો છે તેમજ કેન્સરની દવાઓ પર વેરાનો દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે.
મંત્રીએ જણાવ્યું હતું કે સંકલિત નાણાકીય વ્યવસ્થાપન પદ્ધતિ અંતર્ગત ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા મારફત રાજ્યના કરદાતાઓને ટેક્સ ઓનલાઇન ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. IFMS અંતર્ગત તમામ કર્મચારીઓ, પેન્શનરો તથા સંબંધિત લાભાર્થીઓની સરળતા માટે ખાતામાં સીધે સીધી રકમ જમા થાય, તે માટે e-Payment સુવિધાની અમલી છે.
ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે ઇન્ટિગ્રેશન કરી રાજ્યના લગભગ 53 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય સીધા તેઓના ખાતામાં જમા થાય તેમજ સ્કોલરશીપ આધાર બેઝ્ડ થાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે તેમ મંત્રીએ વધુમાં કહ્યું હતું.
વીમા નિયામક કચેરી અંગે વાત કરતાં મંત્રીએ જણાવ્યું કે જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4.45 કરોડથી વધુ લાભાર્થીઓને અકસ્માત મૃત્યુના કિસ્સાની સહાયમાં વધારો કરીને રૂપિયા બે થી ચાર લાખ સુધીની કરાઈ છે.
આમ, વિધાનસભા ગૃહ ખાતે નાણાં વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.