આઝાદી પછી પ્રથમવાર નાણાપંચની ટીમ અધ્યક્ષ એન.કે.સિંઘ સાથે રાજકોટની મુલાકાતે આવી
ભારત સરકારનું ૧૫મું નાણાપંચની ટીમ છેલ્લા ચાર દિવસથી ગુજરાતની મુલાકાતે આવી છે. આજે નાણાપંચના અધ્યક્ષ એન.કે.સિંઘ સહિતના સભ્યો રાજકોટ શહેરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ મહાપાલિકા હસ્તકના અલગ-અલગ ૩ પ્રોજેકટોની સાઈટ વિઝીટ કરી વિગતો એકત્ર કરી હતી. આઝાદી પછી પ્રથમવાર નાણાપંચની ટીમ અધ્યક્ષ સ્થાને રાજકોટની મુલાકાતે આવી હોય મેયર બીનાબેન આચાર્ય દ્વારા તેઓના આતિથ્ય સત્કારરૂપે લંચ આપ્યું હતું.
કેન્દ્ર સરકારના ૧૫માં આયોજન પંચના અધ્યક્ષ એન.કે.સિંઘ સભ્યો શશીકાંતદાસ, ડો.અનુપમસિંઘ, ડો.અશોક લહીરી, ડો.રમેશચંદ, નાણાપંચના સેક્રેટરી અરવિંદ મહેતા સહિતના અધિકારીઓ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. નાણાપંચની ટીમે સવારે સૌપ્રથમ આજીડેમની મુલાકાત લીધી હતી. ગુજરાત સરકાર દ્વારા રાજકોટની પીવાના પાણીની સમસ્યાને કાયમી ઉકેલવા માટે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર આજી-૧ ડેમ સુધી પહોંચાડયા છે. આજી ડેમની મુલાકાત દરમિયાન નાણાપંચની ટીમે એક પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું અને જળાશયના સ્પીલવેની પણ મુલાકાત લીધી હતી. સ્માર્ટ સિટી અંતર્ગત મહાપાલિકા દ્વારા રાજકોટ આઈવે પ્રોજેકટ અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
સીસીટીવી સર્વેલન્સ પ્રોજેકટના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પણ નાણાપંચની ટીમે મુલાકાત લીધી હતી અને ફંકશન ઈનની લાઈવ માહિતી મેળવી હતી અને નાણાપંચની ટીમને સ્માર્ટ સિટી અને અટલ સરોવર પ્રોજેકટ વિશે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી.મેયર બીનાબેન આચાર્ય દ્વારા નાણાપંચની ટીમ માટે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે આતિથ્ય સત્કારરૂપે બપોરના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાણાપંચની ટીમ સામેલ થઈ હતી. બપોર બાદ નાણાપંચ દ્વારા ભારતનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રીન બિલ્ડીંગ ક્ન્સેપ્ટ સાથે નિર્માણ પામેલી આવાસ યોજનાની મુલાકાત લેવામાં આવશે અને માહિતી એકત્ર કરવામાં આવશે.
મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ભારતનું નાણાપંચ દેશના બંધારણની જોગવાઈ અનુસાર તેને પ્રાપ્ત થયેલ સતાની રૂએ તમામ રાજયો અને કેન્દ્ર વચ્ચે ટેકસની આવકની વહેંચણી, ઉપરાંત ગ્રાન્ટ-ઈન-એઈડ તેમજ રાજયોની પંચાયતો અને મ્યુનિસિપાલિટીનના સંશાધનોની વૃદ્ધિ માટે જે તે રાજયને વધારાની ગ્રાન્ટ આપવાની કેન્દ્ર સરકારને ભલામણો કરે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ફલેગશિપ સ્કીમ્સ, ડિઝાસ્ટરનો પ્રતિકાર, ઈન્ફ્રાસ્ટ્રકચર, સસ્ટેનેબલ ગ્રોથ માટેના લક્ષ્યાંકો અને ખર્ચની ગુણવતાનું મુલ્યાંકનના આધાર પર રાજયને પરફોર્મન્સ બેઝડ ઈન્સેન્ટિવ માટે પણ ભલામણ કરે છે.