રાજ્યની ૮ મહાપાલિકાને રૂા.૨૫૦ કરોડની ફાળવણી કરાઈ
ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની ૮ મહાનગરપાલિકાઓને વિકાસ માટે રૂા.૨૫૦ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટમાં પાંચ બ્રિજ બનાવવા માટે મંજૂર થયેલી રકમ પૈકી ૧૦ ટકા રકમ એટલે કે, રૂા.૨૩ કરોડની ગઈકાલે ફાળવણી કરી દેવામાં આવ્યા બાદ આજે ફાઈનાન્સ બોર્ડ દ્વારા આજે વધુ ૨૫ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સને. ૨૦૧૯-૨૦માં ત્રીજા તબક્કા માટે ૪૮૯૪.૪૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આઉટ ગ્રોથ વિકાસ અને અન્ય કામો માટે રૂા.૨૯૬૭ કરોડ, મુખ્યમંત્રી સડક યોજના માટે ૫૦૦ કરોડ મળી રૂા.૩૪૬૭ કરોડ ફાળવણી કરવાનું ઠેરવવામાં આવ્યું છે. ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની ૮ મહાનગરપાલિકાઓને ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ મહાપાલિકાને રૂા.૯૪ કરોડ, સુરતને રૂા.૭૫ કરોડ, વડોદરાને રૂા.૨૮ કરોડ, રાજકોટને રૂા.૨૫ કરોડ, ભાવનગરને રૂા.૧૦ કરોડ, જામનગરને રૂા.૧૦ કરોડ, જૂનાગઢને રૂા.૫ કરોડ અને ગાંધીનગરને રૂા.૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે.