વર્ષો પૂર્વે લાખોના ખર્ચે દીવાલો ઉપર છોડ ઉગાડવામાં આવ્યા હતા, થોડા જ દિવસ ધ્યાન અપાયું, ત્યારબાદ માવજત ન થતા છોડ ગાયબ થઈને ખાલી બોક્સ જ વધ્યા હતા, રજાના દિવસમાં વર્ટિકલ ગાર્ડનના નકામા બોક્સ દૂર કરી નખાયા
જિલ્લા કલેકટર કચેરીનું વર્ટિકલ ગાર્ડન અંતે ભંગારમાં ગયું છે. લાખોના ખર્ચે તત્કાલીન કલેકટર દ્વારા આ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. પણ નવા નવા નવ દિવસ જ આના પર ધ્યાન દેવામાં આવ્યું હતું. ત્યારબાદ માવજત ન કરવામાં આવતા છેલ્લા ઘણા સમયથી વર્ટિકલ ગાર્ડનના ખાલી બોક્સ જ વધ્યા હતા. અંતે આજે તેને દૂર કરી નાખવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના શણગાર માટે અગાઉના કલેકટર રેમ્યા મોહને લાખોના ખર્ચે અનેક કામગીરી કરાવી હતી. જેમાં કલેકટર કેબિનનું નવીનીકરણ કરાવવામાં આવ્યું હતું. કલેકટર કેબિનની બહારની લોબીનું પણ નવીનીકરણ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત કલેકટર કચેરીની દીવાલો ઉપર છોડ મૂકીને વર્ટિકલ ગાર્ડન પણ બનાવવામાં આવ્યું હતું.
આ વર્ટિકલ ગાર્ડન લાખોના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. પરંતુ ગાર્ડન બનાવ્યું ત્યારે થોડા દિવસ માટે જ તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું. જો કે ત્યારે પણ રજાના દિવસોમાં આ ગાર્ડન માટે પાણીનો બેફામ વેડફાટ થતો હોવાનું ધ્યાને આવ્યું હતું. જો કે બાદમાં આ ગાર્ડનની માવજત ન કરવામાં આવતા છોડ બળીને ગાયબ થઈ ગયા હતા. માત્રને માત્ર માટી ભરેલા બોક્સ જ બચ્યા હતા.
છેલ્લાં ઘણા વર્ષોથી વર્ટિકલ ગાર્ડનના નામે કલેકટર કચેરીની દીવાલ ઉપર ખાલી બોક્સ જ રહ્યા હતા. જો કે અંતે કલેકટર તંત્ર દ્વારા આ ખાલી બોક્સને ઉતારી લેવામાં આવ્યા છે. આજે રજાના દિવસે શ્રમિકો આ કામે લાગી ગયા હતા. આમ લાખોના ખર્ચે તૈયાર થયેલ વર્ટિકલ ગાર્ડન હવે ભંગારમાં ગયુ છે.