- “અબતક” મીડિયાના અહેવાલ બાદ શિક્ષણમંત્રી આ મામલે તપાસ કરી હતી અને આજે કુલપતિ ડો.ઉત્પલ જોશીએ સાયરન સાથે કુલપતિ લખેલી પ્લેટ પણ હટાવી દીધી
વીઆઈપી કલ્ચરને ખતમ કરવા મોદી સરકારે મહત્વનો નિર્ણય લઇ આશરે છ વર્ષ આગાઉ દેશભરમાં ઈમરજન્સી સર્વિસના વાહનો સિવાય કોઈ પણ સરકારી વાહન પર લાલ લાઈટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો જો કે અમુક અધિકારીઑએ લાલબત્તીના સ્થાને સાયરનનો વિકલ્પ શોધી કાઢ્યો હતો. જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નવનિયુકત કુલપતિ ડો.ઉત્પલ જોશીએ ગાડીમાં સાયરન ફિટ કરાવી વીવીઆપી કલ્ચરને આમન્ત્રણ આપ્યુ હતું અને સાયરન લગાવી વિવાદમાં આવ્યા હતા.
સમગ્ર મામલે “અબતક” મીડિયાએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો ત્યારબાદ બુધવારે શિક્ષણમંત્રીએ “અબતક” સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપી હતી અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા અને આજરોજ શિક્ષણમંત્રીના મેદાને ઉતર્યા બાદ અંતે કુલપતિ ડો.ઉત્પલ જોશીએ સરકારી ગાડીમાંથી સાયરન હટાવ્યું હતું અને વાઇસ ચાન્સેલરની પ્લેટ પણ દૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ડો. ઉત્પલ જોશીએ કાયમી કુલપતિ તરીકે પોતાને મળેલી સરકારી કાર પર સાયરન લગાવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે કુલપતિએ ગઈકાલે પોતાનો બચાવ કરતા કહ્યું હતુ કે, રાજ્યની અન્ય 5 યુનિવર્સિટીના કુલપતિઓએ પણ સાયરન લગાવેલા હોવાથી મેં લગાવ્યું છે.
મુખ્યમંત્રી અગાઊ જેમ જતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાય ત્યારે ઘાયલોને ઝડપથી સારવાર માટે લઈ જઈ શકાય તેવું વિચારી સાયરન રાખ્યું છે. જો નિયમમાં હશે તો સાયરન રાખીશ બાકી હટાવી દઈશ. જો કે હવે આજે કુલપતિ અંતે ઝૂક્યાં હતા અને સાયરન કાઢી નાખ્યું તેમજ કુલપતિ લખેલી પ્લેટ પણ હટાવી દીધી હતી. રાજકોટ ના આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતુ કે, સેન્ટ્રલ મોટર વ્હિકલ રુલ્સ 119 મૂજબ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર કે જે ઈમરજન્સી સર્વિસમાં આવે છે તેવા વાહનો ઉપર જ સાયરન લગાવવાનું હોય છે. પોલીસ અને ડિઝાસ્ટર સાથે જોડાયેલા વાહનો પર સાયરન રાખી શકાય. કુલપતિ પોતાની કાર ઉપર સાયરન ન લગાવી શકે. જોકે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ પોતાની કાર ઉપર સાયરન લગાવ્યું છે ત્યારે તેની સામે મોટર વહીલક એક્ટની કલમ 194 (1) મુજબ રૂ. 1000 નો દંડ ફટકારવામાં આવશે. જો કે આજે જ કુલપતિએ સાયરન દૂર કર્યું છે.
- મેયર-મ્યુનિ.કમિશનર સહિત કોર્પોરેશનની 12 સરકારી ગાડીઓમાં “સાયરન” ભપકો
- કુલપતિએ સાયરન હટાવ્યું હવે શું કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાયરનનો મોહ છોડી શકશે? પ્રજાનો સવાલ
કોઇપણ બંધારણીય હોદ્ો મળતાની સાથે જ વ્યક્તિ સાતમા આસમાને ઉડવા માંડે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ઉત્પલ જોષીએ નિયમ વિરૂધ્ધ પોતાની સરકારી ગાડી પર વટ પાડવા માટે લગાવેલું સાયરન શિક્ષણમંત્રીનો કડક ઠપકો મળતા ઉતારી લીધું છે. કોર્પોરેશનમાં મેયર અને મ્યુનિ.કમિશનર સહિત 12 સરકારી ગાડીઓમાં સાયરનનો ભપકો જોવા મળી રહ્યો છે. પ્રજામાં વટ પાડવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ ગમે ત્યારે સાયરનની ગુંજ વગાડવા માંડે છે. કુલપતિએ શિક્ષણમંત્રીનો કડક ઠપકો મળતા આજે મને કમને નાછૂટકે પોતાની સરકારી ગાડી પરથી સાયરન હટાવી લીધું છે. ત્યારે હવે શું ઘટનામાંથી સબક લઇ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ સાયરનનો મોહ છોડી શકશે. તેવો સવાલ રાજકોટવાસીઓના મનમાં ઉભો થઇ રહ્યો છે.
કોર્પોરેશનમાં હોદ્ાની રૂએ મેયર, ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સરકારી ગાડી ફાળવવામાં આવતી હતી. દરમિયાન 14 વર્ષ પહેલા શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતાને પણ સરકારી ગાડી ફાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે દોઢ વર્ષ પહેલા શાસક પક્ષના દંડકને સરકારી ગાડી આપવામાં આવી છે. હાલ મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યૂટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઇ રાડીયા અને ફાયર સમિતિના ચેરમેન દિલીપભાઇ લુણાગરીયા સહિત કુલ 7 પદાધિકારીઓ સાયરનવાળી સરકારી ગાડીમાં ફરી રહ્યા છે. જ્યારે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, ત્રણેય ડીએમસી અને ચીફ ફાયર ઓફિસરને સરકારી ગાડી ફાળવવામાં આવી છે. તેના પર સાયરનનો ભપકો જોવા મળી રહ્યો છે.
આરટીઓના નિયમ મુજબ ઇમરજન્સી સર્વિસીસ આપતી શાખાઓને જ સાયરનવાળી ગાડી ફાળવવામાં આવે છે. મેયર સહિતના મુખ્ય પાંચેય પદાધિકારીઓને એવી કોઇ જ પ્રકારની ઇમરજન્સી હોતી નથી કે તેઓની ગાડી ઉપર સાયરન લગાડવાની આવશ્યકતા રહે. ફાયર બ્રિગેડ સમિતિના ચેરમેને આગ સહિતની દુર્ઘટનામાં સ્થળ પર પહોંચવાનું હોય છે. આવામાં તેઓની ગાડી પર સાયરન લગાવવામાં આવે તે વ્યાજબી છે. બીજી તરફ મ્યુનિ.કમિશનર કે ડીએમસીની ગાડી પર સાયરનની જરૂરિયાત દેખાતી નથી. ચીફ ફાયર ઓફિસરની ગાડી પર સાયરનની જરૂરિયાત રહે છે. સરકારી નિયમ જે પણ હોય ખરેખર નેતાઓ અને અધિકારીઓએ વીઆઇપી કલ્ચર છોડીને જનતાની નજરમાં એક અલગ પ્રકારની છાપ છોડવા માટે પોતાને સગવડતા માટે હોદ્ાની રૂએ ફાળવવામાં આવેલી સરકારી ગાડી પરથી સાયરન હટાવી દેવું જોઇએ. છતાં જો સાયરન રાખવાની જરૂરિયાત હોય તો એવા કિસ્સામાં જ સાયરન ચાલુ કરવું જોઇએ. જ્યારે ખરેખર તેની જરૂરિયાત હોય. હાલ પદાધિકારીઓ અને અધિકારીઓના ડ્રાઇવર ટ્રાફિકજામ થાય અને ગાડીને બ્રેક મારવી પડે ત્યારે તરત સાયરનના દેકારા શરૂ કરી દે છે. અમૂક કિસ્સામાં તો લોકો વચ્ચે વટ પાડવા માટે સારા કે માઠા પ્રસંગોમાં પણ સાયરન વગાડવામાં આવે છે. જ્યારે હોદ્ા સાથે સરકારી સુવિધા મળે ત્યારે તેનો ઉપયોગ પ્રજાલક્ષી થવો જોઇએ નહીં કે સ્વલક્ષી. આ વાત અધિકારીઓ અને નેતાઓ ક્યારે સમજશે.
પદાધિકારીઓનું વીઆઈપી કલ્ચર સરકાર દૂર કરે:કોંગ્રેસની માંગ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીના જણાવ્યાનુસાર સરકારી કચેરીઓમાં પડેલી ગાડીઓમાં સાયરન ગેરકાયદેસર અને અનઅધિકૃત છે કે કેમ તેની તપાસ થતી નથી. શાસકોને ગમે તે ટ્રાફિકનો ગુનો કરવાની જાણે કે છૂટ મળી હોય તે પ્રકારે ઉઠમણામાં, બેસણામાં કે અન્ય સ્થળે આવી સાયરાનો વાળી સરકારી ગાડીઓ લઈ પોતે સીન જમાવતા જોવા મળે છે જન સેવાને બદલે પોતાના અંગત કામો માટે મોટરો દોડતી હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી એ સરકારી ગાડી પર સાયરન લગાવેલ છે જેનો વિવાદ હજુ ચાલુ છે ત્યાં મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિના અડધો ડઝન જેટલા પદાધિકારીઓએ પોતાની કાર પર જે સાયરન લગાડેલ છે તેની યોગ્યતા કેટલી ?