વાહનચાલકોને એક-એક કિમીના ચક્કર કાપવામાંથી મળશે મુક્તિ
હજુ બ્રીજના કામમાં તો કોઈ ઠેકાણા નથી, ક્યારે કામ પૂર્ણ થશે તે અંગે ફોડ પાડવા કોઈ તૈયાર જ નથી
અંતે માધાપર ચોકડીના બ્રિજનો નીચેનો રસ્તો આવતીકાલથી ખુલ્લો મૂકી દેવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જો કે હજુ સુધી બ્રિજની કામગીરી આખરે ક્યારે પુરી થશે તે અંગે કોઈ પણ ફોડ પાડવા તૈયાર નથી.
રાજકોટના પ્રવેશદ્રાર સમી માધાપર ચોકડીએ રૂ. 70 કરોડના ખર્ચે 1200 મીટર લંબાઈના હાઈલેવલ બ્રિજનું કામ હાલ ગોકળગતિએ ચાલી રહ્યું છે. આ બ્રીજમાં કૂલ 24 પિયર છે. માધાપર ચોકડી ન માત્ર રાજકોટ પણ જામનગર, મોરબી બન્ને તરફથી આવતા જતા વાહનો માટે મહત્વનો વિસ્તાર છે. અહીં ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જરૂરી છે.જો કે માધાપર ચોકડી બ્રિજનું કામ એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે, તેવો તંત્રએ અગાઉ અનેક વખત દાવો કર્યો છે પણ આ દાવો હવે ખોટો પડી રહ્યો છે. હજુ પણ આ બ્રીજને તૈયાર થવામાં મહિનાઓ વીતી જાય તેમ છે.
હાલ આ બ્રિજની ગોકળ ગતિનો મામલો ચગતા અંતે એજન્સીએ નીચેનો રસ્તો ખોલવામાં થોડી ઝડપ રાખી છે. તેને પરિણામે આવતીકાલથી બ્રિજની નીચેનો રસ્તો ખુલ્લો મુકવામાં આવનાર છે. જેને પગલે હવે 150 ફૂટ રિંગ રોગથી મોરબી અને મોરબીથી 150 ફૂટ રોડ સુધી આવવા જવા માટે જે એક ચક્કર કાપવું પડતું હતું તેમાંથી મુક્તિ મળશે.
આ બ્રીજનું કામ એપ્રિલમાં પૂર્ણ કરવાનું હતું. અગાઉ તંત્રએ પણ સત્તાવાર રીતે એપ્રિલમાં કામ પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત કરી દીધી હતી. પણ એજન્સી હજી મહિનાઓ ઠેકાડી દેશે તે નક્કી છે કામ હાલ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોય, કોઈ રોકવા કે ટોકવા વાળું નથી. અધૂરામાં પૂરું બ્રિજ નીચેનો રસ્તો ખુલ્લો કરવામાં પણ અત્યાર સુધી ડાંડાઈ કરવામાં આવી રહી હતી.
ઉલ્લેખનીય છે કે માધાપર ચોકડીએ છેલ્લા ઘણા સમયથી ચાલતા બ્રિજના કામથી લાખો શહેરીજનો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હવે વહેલામાં વહેલી તકે માધાપર ચોકડીને વાહન વ્યવહાર માટે ખૂલી મૂકવા અને શક્ય તેટલી ઝડપથી બ્રિજનું લોકાર્પણ કરવા તેમજ કામમાં વિલંબ બદલ કોન્ટ્રાકટર એજન્સીને પેનલ્ટી ફટકારવાની ગઈકાલે કોંગ્રેસે પણ માંગ ઉઠાવી હતી.