મેઘરાજાનું કેરળમાં 7 દિવસ મોડુ આગમન, ત્રણ-ચાર દિવસમાં કર્ણાટક અને તમિલનાડુ પહોંચે તેવી શક્યતા : હવામાન વિભાગ
મેઘરાજાની આજે કેરળમા એન્ટ્રી થઇ ચૂકી છે. જે અંગે ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કેરળમાં ચોમાસું 1 જૂનની બેસવાની સંભાવના હતી જે સામાન્ય તારીખથી 7 દિવસ મોડું છે. હવે તે આગામી ત્રણ-ચાર દિવસમાં કર્ણાટક અને તમિલનાડુ પહોંચે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્ર અને ગોવામાં એક સપ્તાહ બાદ ચોમાસું દસ્તક આપી શકે છે. તે જ સમયે, ઉત્તર ભારતમાં ચોમાસું આ મહિનાના અંત સુધીમાં રાજધાની દિલ્હીમાં પહોંચવાની સંભાવના છે. દેશમાં ચોમાસાનો પ્રથમ વરસાદ કેરળમાં થયો છે. આ વખતે દેશમાં ચોમાસું એક સપ્તાહ મોડું થયું છે. જો કે હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, આનાથી વરસાદ પર કોઈ અસર નહીં થાય. હવામાન વિભાગે આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દક્ષિણ અરબી સમુદ્ર પર પશ્ચિમી પવનોના વધારાને કારણે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ઉપરાંત, પશ્ચિમી પવનોની ઊંડાઇ ધીમે ધીમે વધી રહી છે અને આ પવનોની ઊંડાઈ સરેરાશ દરિયાઇ સપાટીથી 2.1 કિમી સુધી પહોંચી ગઇ છે. ચોમાસુ કેરળના દરિયાકાંઠે પહોંચતા હજુ ત્રણથી ચાર દિવસ લાગી શકે.
દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં પણ વાદળોનું પ્રમાણ વધી રહ્યું છે, એમ વિભાગે જણાવ્યું હતું. કેરળમાં ચોમાસાની શરૂઆત માટે આ સાનુકૂળ પરિસ્થિતિઓ આગામી 3-4 દિવસ દરમિયાન વધુ સુધરવાની અમને આશા છે. તેના પર સતત નજર રાખવામાં આવી રહી હતી. જો કે લગભગ સાત દિવસના વિલંબ બાદ ચોમાસું હવે કેરળ પહોંચી ગયું છે.