લાલ ગ્રહ પર નાસાના રોવરનું લેન્ડીંગ થતાં મંગળ પરના રાજ ખુલશે: સપાટી પરથી રોવરે તસ્વીરો મોકલી
મંગળ માટેની હરીફાઈમાં એક-બે નહીં ત્રણ-ત્રણ દેશો દ્વારા ધમપછાડા
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના પર્સેવરેન્સ રોવરે ગુરૂવારે રાતે મંગળ ગ્રહ પર સફળ ઉતરાણ કર્યું હતું. પર્સેવરેન્સ રોવરને ૩૦ જુલાઈ, ૨૦૨૦ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોવર મંગળ ગ્રહની સપાટી પર સૂક્ષ્મજીવી જીવનના સંકેતોની શોધ કરશે અને સાથે જ તૂટેલી પહાડીઓ, ધૂળના નમૂના એકત્રિત કરશે. આ નમૂનાઓને આગામી સમયમાં વધુ એક અભિયાન દ્વારા ધરતી પર લાવવામાં આવશે.
નાસાએ ટ્વીટરના માધ્યમથી પર્સેવરેન્સ રોવરે મંગળ ગ્રહની સપાટી પર સફળ ઉતરાણ કર્યું હોવાની માહિતી આપી હતી. રોવરના સફળ લેન્ડિંગના કારણે નાસાના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓમાં આનંદની લહેરખી વ્યાપી ગઈ હતી. હકીકતે નાસાનો આ પ્રયત્ન લાલ ગ્રહ પર મનુષ્યને વસાવવાની અભિલાષાને લઈ ખૂબ જ મહત્વનું પગલું છે.
ઉલ્લેખનીય છે કે, નાસા ઉપર ઉતરણ કરવાની રેસમાં અમેરિકા અને યુએઈ સામેલ હતા. જો કે, હવે આ સ્પર્ધા ત્રિપાંખીયા થઈ ગઈ છે. ચીન દ્વારા પણ લાલ ગ્રહ ઉપર સંશોધન માટે તૈયારીઓ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૦ના જુલાઈ મહિનામાં ચાઈનાનું મિશન તૈનવૈન લોન્ચ થયું હતું જે ૧૦ ફેબ્રુઆરીએ મંગળના વાતાવરણમાં પ્રવેશ્યું હતું. જો કે, તે મે મહિનામાં ઉતરણ કરશે. અમેરિકાનું હોપ મિશન પણ મંગળના વાતાવરણમાં ગયા મહિને પ્રવેશી ચૂક્યું હતું અને યુએઈનું ઈન્ટર પ્લાનેટરી મિશન પણ મંગળની નજીક હતું. હવે મંગળ ઉપર પૃથ્વીવાસીઓના સફળ લેન્ડીંગથી સંશોધન ક્ષેત્રે અનેક આશાઓ બંધાઈ છે.
વર્ષ ૨૦૩૧માં ધરતી પર નમુનાઓ લવાશે
બીજા અભિયાન દ્વારા આ નમૂનાઓને ૨૦૩૧ના વર્ષમાં ધરતી પર લાવવામાં આવશે. પર્સેવરેન્સ રોવર મંગળ ગ્રહ પર ભૂવિજ્ઞાન અને જળવાયુની શોધ કરશે અને તે નાસાનું પાંચમું રોવર છે.
પ્રતિ કલાકે ૧૨૦૦૦ માઈલની સફર ખેડી
નાસાએ ૨૨૦ કરોડ ડોલરના ખર્ચે તૈયાર થયેલા કાર જેવા આકારના સ્પેસક્રાફ્ટના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ કર્યું હતું. ૧૨,૦૦૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે સફર કરી રહેલા આ રોવરની ઝડપ ઘટાડવા એક સુપરસોનિક પેરાશૂટનો ઉપયોગ કરાયો હતો. આ ઝડપે માત્ર ૧૫ મિનિટમાં લંડનથી ન્યૂયોર્ક પહોંચી શકાય છે.