બિલની સાથે સાથે
- રવિશંકર પ્રસાદ દ્વારા બિલ રજુ કરાયું
- ઓવૈસીએ કર્યો વિરોધ
- ૨૨ મુસ્લિમ દેશોમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ
- પાક., બાંગ્લા, સીરીયામાં આ પ્રથા નથી
- આર.જે.ડી.એ ઉઠાવ્યા સવાલ
- મુસ્લિમ વીમેન બિલમાં અપાયા અધિકાર
- ૩ વર્ષની સજાની જોગવાઈ ડાબેરી પણ બિલના વિરોધમાં જઈ બેઠા હતા.
ત્રિપલ તલાક બિલ અમુક પક્ષકારોના વિરોધ બાદ અંતે પાસ થયું: હવે રાજયસભામાં મુકાશે
અંતે ‘ઈન્સ્ટન્ટ’ તલાક બિલ એટલે કે ત્રિપલ તલાકને લગતો ખરડો ગઈકાલે લોકસભામાં અમુક પક્ષકારોના વિરોધ બાદ મંજુર થઈ ગયો. કેન્દ્રીય કાનુન મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં ધ મુસ્લિમ વીમેન (રાઈટ્સ) બિલ રજુ કર્યું હતું. તેમણે મુસ્લિમ મહિલાઓના પારિવારીક અને સામાજિક અધિકાર માટે ત્રિપલ તલાક બિલ મંજુર થવું અતિ આવશ્યક ગણાવ્યું હતું.
મુસ્લિમ નેતા અસદુદીન ઓવૈસી, આર જેડી, ડાબેરી પક્ષો અને નવીન પટનાયકના પક્ષે ધ મુસ્લિમ વીમેન બિલનો લોકસભામાં વિરોધ કર્યો હતો. તેની સામે કેન્દ્રીય કાનુન મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, વિશ્ર્વના ૨૨ મુસ્લિમ દેશોમાં ત્રિપલ તલાક પર પ્રતિબંધ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, સીરીયામાં પણ ત્રિપલ તલાકની પ્રથા કે પરંપરા નથી ત્યારે ભારતમાં ત્રિપલ તલાક નાબુદ થવા જ જોઈએ. ટુંકમાં, સરકાર માટે ત્રિપલ તલાક બિલ પસાર કરવું આસાન ન હતું. લોકસભા બાદ હવે ત્રિપલ તલાક બિલ રાજયસભામાં પેશ કરાશે ત્યારે ત્યાં પણ મોદી સરકારનો ‘એસિડ ટેસ્ટ’ થશે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બીલમાં સુધારો અથવા રદ કરવાની માંગ
ત્રિપલ તલાક બિલ સુધારો અથવા રદ કરો તેમ મુસ્લિમ લો બોર્ડ માંગ કરી છે. ગઈકાલે લોકસભામાં મુસ્લિમ વીમેન બિલ પાસ થઈ ગયું ત્યારબાદ લખનઉ સ્થિત મુસ્લિમ લો બોર્ડ પ્રતિક્રિયા આપી હતી.
શિઆ વકફ બોર્ડ ત્રિપલ તલાક આપનાર પુરુષને સજા કરવાની જોગવાઈ વધુ પડતી હોવાની પ્રતિક્રિયા આપી છે. આ સિવાય ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવકતા મૌલાના ખલિલ ઉર – રહેમાન સજજાદ નોમાનિએ પી.ટી.આઈ.ને જણાવ્યું હતું કે, ત્રિપલ તલાક બિલનો ચુકાદો (જોગવાઈ) ઘડતા પહેલા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને વિશ્ર્વાસમાં લેવું જોઈતું હતું.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય ઝફરયાબ જીલાણીએ કહ્યું હતું કે, અમે ત્રિપલ તલાક બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. બીજી તરફ ઓલ ઈન્ડિયા મુસ્લિમ વીમેન પર્સનલ લો બોર્ડ ત્રિપલ તલાક બિલને આવકાર્યું છે. કહ્યું કે આ બિલ લાઈટ ઓફ કુરાન છે.