ગુજરાતમાં રણના ઘોડા તરીકે ઓળખાતી કચ્છી-સિંધીને આઈસીએઆર દ્વારા
રજિસ્ટર્ડ કરાઈ: મારવાડી અને કાઠિયાવાડી બાદ હવે નવી અશ્વ ઓલાદની નોંધણી
અંતે રણના ઘોડાની નસલને સરકારી માન્યતા મળી છે. બ્રિડ રજીસ્ટ્રેશન કમીટી એટલે કે ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારા રણના ઘોડા તરીકે ઓળખાતી કચ્છી-સિંધી ઘોડાની નસલને મંજૂરી આપવામાં આવી છે.
થોડા સમય પહેલા નેશનલ બ્યુરો ઓફ એનીમલ જેનેટીક રિસોર્સીસ (એનબીએજીઆર)ના સંશોધકોએ કરેલા અભ્યાસ બાદ આ નિર્ણય લેવાયો છે. છેલ્લા ઘણા સમયથી કચ્છી-સિંધી ઘોડાની જાતને ભારતીય કૃષિ અનુસંધાન પરિસદ દ્વારા અશ્વ ઓલાદ તરીકે માન્યતા આપવામાં આવે તેવી માંગ હતી.
સિંધી ઘોડાને અશ્વ ઓલાદ તરીકે માન્યતા આપવામાં આવતા અશ્વ પાલકો માટે ઉછેર અને વિકાસના દ્વાર ખુલવાની આશા છે. કચ્છમાં બન્ની ભેંસ અને અને ખારાઈ ઉંટ બાદ માન્યતા મેળવનારી આ ત્રીજી ઓલાદ છે. અગાઉ કચ્છી ઘોડાને માન્યતા ન મળતી હોવાથી રાજય સ્તરે યોજાતી અશ્વ દોડ કે અશ્વ શોની વિવિધ હરીફાઈમાં પશુપાલકોને ભાગ લેવાની તક મળતી નહોતી. આ ઉપરાંત સરકાર તરફથી કોઈ સહાય, યોજનાનો લાભ મળતો નહોતો.
અહીં ઉલ્લેખનીય છે કે, ભારતમાં અત્યાર સુધી મારવાડી અને કાઠિયાવાડી એમ બે જ ઘોડાની ઓલાદોને સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી. આ ઉપરાંત પોની બ્રિડ તરીકે ઝાન્સકારી, સ્પીટી, ભુતીયા અને મણીપુરી એમ ચાર ઓલાદને માન્યતા અપાઈ છે. હવે કુલ ત્રણ ઓલાદને માન્યતા મળી છે. કચ્છી-સિંધી ઘોડાઓ મારવાડી અને કાઠિયાવાડી ઘોડા કરતા દેખાવમાં અલગ છે. આ ઘોડાઓને રણના ઘોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આંકડા મુજબ કચ્છી-સિંધી ઓલાદના કુલ ૪૦૦૦ ઘોડા છે. રોમન સ્ટાઈલના નાક, આંખ, કાન છે. આ ઘોડાની ઉંચાઈ ૫૬ થી ૬૦ ઈંચની છે.