રાજ્યની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની 11 સરકારી યુનિવર્સિટીમાં લાગુ કરવા માટે કોમન એક્ટને હવે સત્તાવાર રીતે રાજ્યપાલ દ્વારા મંજૂરી અપાઈ છે. શૈક્ષણિક સંઘોના વિરોધ-પ્રદર્શન વચ્ચે રાજ્યપાલની મંજૂરી મળી જતાં હવે કોમન એક્ટ લાગુ કરી દેવામાં આવશે.વિધાનસભામાં તાજેતરમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ એટલે કે સરકારી યુનિવર્સિટી માટેનો કોમન એક્ટને મંજૂરી અપાઈ હતી. વિધાનસભાની મંજૂરી મળ્યા બાદ આ બિલને રાજ્યપાલની મંજૂરી માટે મોકલાયું હતું. જુદા જુદા શૈક્ષણિક સંઘો દ્વારા પ્રદર્શન અને વિરોધ સાથે આ બિલને રાજ્યપાલ મંજૂરી ન આપે તેવી માગણી કરવામાં આવી હતી. જોકે, રાજ્યપાલે પણ આખરે પબ્લિક યુનિવર્સિટી એક્ટને મંજૂરી આપી દીધી છે.
જુદા જુદા શૈક્ષણિક સંઘો દ્વારા પ્રદર્શન અને વિરોધ સાથે આ બિલને રાજ્યપાલ મંજૂરી ન આપે તેવી માગણી કરવામાં આવી હતી
આમ, કોમન એક્ટ લાગુ કરી દેવાશે તે સ્પષ્ટ બની ગયું છે. આ એક્ટ લાગુ ન થાય અને લાગુ કરવામાં આવે તો તેમાં કરાયેલી કેટલીક જોગવાઇઓ દૂર કરવામાં આવે તેવી માગણી શૈક્ષણિક સંગઠનોની છે. તાજેતરમાં વડોદરામાં જુદા જુદા શૈક્ષણિક સંગઠનો દ્વારા કોમન એક્ટના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. આમ, શૈક્ષણિક સંગઠનો દ્વારા એક્ટનો વિરોધ કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. કોમન એક્ટમાં વિદ્યાર્થી ચૂંટણીની વ્યવસ્થા થાય તેવી એબીવીપી માગ એબીવીપી ગુજરાત પ્રદેશની કારોબારીની બેઠક સાબરકાંઠા ખાતે મળી હતી.
આ બેઠકમાં કેટલાક ઠરાવો કરાયા હતા. જેમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં છાત્ર સંઘની ચૂંટણી માટેની માગણી કરાઈ છે. કોમન એક્ટમાં છાત્ર ચૂંટણી રદ કરાઈ છે તેનો વિરોધ થયો હતો. આગામી દિવસોમાં છાત્ર ચૂંટણીની જોગવાઇ કરવા ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ સંચાલન સમિતિઓમાં પણ વિદ્યાર્થીઓને પ્રતિનિધિત્ત્વ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આ સિવાય શિસ્ત સંબંધી સત્તાઓ માત્ર કુલપતિઓના હાથમાં આપવાના બદલે અલગ કમિટીની રચના કરવામાં આવે તેવો ઠરાવ કરાયો હતો.
કારણ કે, કુલપતિઓના હાથમાં તમામ સત્તાઓને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવી સ્થિતિ થવાની દહેશત છે. રાજ્યમાં શિક્ષકોની કાયમી ભરતી કરવાની, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં ચાલતાં કોર્સમાં એકસમાન ફી સ્ટ્રક્ચર કરવા અને ઓબીસી-એસટી અને એસસી છાત્રાલયની પરિસ્થિતિ કથળી હોવાથી નવા છાત્રાલય બનાવવા અને નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત એનસીસી અને એસએસએસ જેવા કોર્સ જીટીયુમાં પણ લાગુ કરવામાં આવે તેવા ઠરાવો કરાયા હતા.